Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

પીઍમ શ્રમયોગી માનધન યોજનામાં દર મહિને ખૂબ જ ઓછી રકમ જમા કરવાથી ૬૦ વર્ષ બાદ દર મહિને ૩ હજારથી ૩૬ હજાર પેન્શનની સુવિધા

અત્યાર સુધીમાં આ યોજનામાં ૪૫.૧૧ લાખ લોકો જોડાયા

નવી દિલ્હી: કોરોનાએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. ખાસ કરીને લોકોના ખિસ્સા પર આ મહામારીએ ખરાબ અસર કરી છે. આ મુશ્કેલ ઘડીએ એક વસ્તુ ચોક્સપણે શીખવાડી છે અને તે છે બચત. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નોકરી ચાલુ હોય ત્યાં સુધીમાં તેની પાસે સારી રીતે રોકાણ થયેલું હોય અથવા તો વૃદ્ધાવસ્થામાં એક સારું એવું પેન્શન મળે તેવું થાય.

એવી અનેક સરકારી યોજનાઓ છે જેમાં નાનું રોકાણ કરીને પણ તમારી આ મુશ્કેલી દૂર થઈ શકે છે. પરંતુ અનેકવાર આવી યોજનાઓ વિશે માહિતી હોતી નથી. પરંતુ અમે આજે તમને એક એવી યોજના વિશે જણાવીશું કે જેનાથી તમારી જિંદગી બદલાઈ જશે.

ખુબ જ લોકપ્રિય થઈ રહી છે આ યોજના

એવા અસંગઠિત ક્ષેત્રો કે ઓછી આવકવાળા લોકો માટે વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા માટે મોદી સરકારની એક ખાસ સ્કીમ પીએમ શ્રમયોગી માનધન છે. આ સ્કીમ દ્વારા દર મહિને ખુબ જ ઓછી રકમ જમા કરવા પર 60 વર્ષની ઉંમર બાદ મંથલી 3000 રૂપિયા કે 36,000 રૂપિયા વાર્ષિક પેન્શન મળી શકે છે.

આ સ્કીમ હેઠળ 18 વર્ષથી 40 વર્ષની ઉંમર વચ્ચે કોઈ પણ ભારતીય નાગરિક સરળ શરતો સાથે તેની જોડે જોડાઈ શકે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યાં મુજબ 10 સપ્ટેમ્બર 2021 સુધીમાં આ સ્કીમ સાથે લગભગ 45.11 લાખ જોડાયા છે.

માનવી પડશે આ શરતો

પીએમ શ્રમ યોગી માનધન યોજના નાના કામદારોના સારા ભવિષ્ય માટે સરકારે શરૂ કરી છે. પરંતુ આ યોજનામાં એક શરત એ છે કે યોજના સાથે જોડાનાર વ્યક્તિની મંથલી આવક 15 હજાર રૂપિયાથી વધુ ન હોય. સરકારની આ યોજના સાથે જોડાનારા લોકોમાં પુરુષો કરતા મહિલાઓ વધુ આગળ છે. આ યોજનામાં કોઈ પણ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા નાગરિક જોડાઈ શકે છે.

પીએમ શ્રમ યોગી માનધનનો ફાયદો રોજ પર કામ કરતા મજૂરથી લઈને મેઈડ, ડ્રાઈવર, ઈલેક્ટ્રિશિયન, અને સ્વીપર કે આ પ્રકારના તમામ વર્કર્સ ઉઠાવી શકે છે.

55 રૂપિયાથી શરૂ થાય છે મંથલી ભરવાની રકમ

આ યોજના સાથે જોડાવવાની મિનિમમ ઉંમર 18 વર્ષ છે. જેમાં 55 રૂપિયાથી મંથલી ભરવાની રકમ શરૂ થતી હોય છે. એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે રોજના 2 રૂપિયા કરતા પણ ઓછી રકમની બચત કરવી પડશે. 60 વર્ષની ઉંમર બાદ તમારા ખાતામાં આજીવન દર મહિને 3000 રૂપિયા પેન્શન આવતું રહેશે.

ઉંમર વધવાની સાથે સાથે તમારા અંશદાનમાં મામૂલી વધારો થતો જશે. જેમ કે જો 29 વર્ષની ઉંમરે તમે જોડાશો તો માસિક  ભરવાની રકમ 100 રૂપિયા થશે જ્યારે 40 વર્ષે જોડાશો તો તમારે દર મહિને ભરવાની થતી રકમ 200 રૂપિયા હશે.

આ પ્રક્રિયાથી મેળવી શકો છો ફાયદો

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનામાં રજિસ્ટ્રેશન કોઈ પણ નીકટના CSC સેન્ટર પર કરાવી શકાય છે. તમારી પાસે આધાર કાર્ડ, અને બચત ખાતું/જનધન ખાતું (IFSC કોડ સાથે) હોવું જરૂરી છે. આ સાથે જ તમારે એક મોબાઈલ નંબર આપવાનો રહેશે. પ્રુફ તરીકે પાસબુક, ચેકબુક કે બેંક સ્ટેટમેન્ટ દેખાડી શકો છો.

ખાતું ખોલતી વખતે જ નોમિની પણ નોંધાવી શકો છો. એકવાર તમારી ડિટેલ કમ્પ્યુટરમાં નોઁધાઈ જાય પછી તમારે માસિક કેટલી રકમ ભરવાની છે તે નક્કી થાય છે. શરૂઆતમાં તમારે કેશમાં રકમ ભરવી પડશે. ત્યારબાદ ખાતું ખુલી જશે અને શ્રમ યોગી કાર્ડ પણ મળી જશે. તમે આ યોજનાની જાણકારી 1800 267 6888 ટોલફ્રી નંબર પર મેળવી શકો છો.

(5:01 pm IST)