Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાજ્યના ૧૭માં મુખ્યમંત્રી તરીકે શપથવિધિ : અમિત શાહ સહિત દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ

ગુજરાતની રાજગાદી સંભાળતા ભૂપેન્દ્ર પટેલ

કેબિનેટના મંત્રીઓની શપથવિધિ બે દિવસ પછી : કોણ હશે ? કોણ નહિ હોય ? અટકળોનો દોર

અમદાવાદ તા. ૧૩ : વિધાનસભા ચૂંટણીથી કેટલાક મહિના પહેલા રાજયની સૌથી ઉંચા પદ પરથી વિજય રૂપાણીએ બે દિવસ પહેલા રાજીનામુ આપ્યા પછી આજે  ભુપેન્દ્ર પટેલ ગુજરાતના સીએમના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેશે. ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવ્યા પછી ભુપેન્દ્ર પટેલ આજે બપોરે ૨.૨૦ વાગ્યે શપથ લઇ રહ્યા છે. બે દિવસ પછી કેબિનેટ મંત્રીઓને શપથ લેવડાવવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે. તેઓ આજે બપોરે ૧૨.૩૦ વાગ્યે અમદાવાદ પહોંચશે.વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના મુખ્યમંત્રીપદે કોણ બિરાજશે તે મુદ્દે ભારે સસ્પેન્સ જામ્યુ હતું . આખરે રવિવારે સાંજે અનેક રાજકીય અટકળોનો અંત આવ્યો હતો. મુખ્યમંત્રીના રેસના દાવેદારોના નામોની અટકળો વચ્ચે ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે અચરજ પમાડે તેવુ નામ જાહેર કરીને ભાજપના નેતાઓને જ નહીં પણ રાજકીય પંડિતોને ય ચોંકાવી દીધા હતાં.

રવિવારે બપોરે કમલમમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં આવતા અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના પાટીદાર ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી.

ગુજરાતના ૧૭માં મુખ્યમંત્રી પદે જુનિયર કહી શકાય એવા અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલની વરણી થતા ખુદ સિનિયર મંત્રીઓ ભાજપના ધારાસભ્યો,નેતાઓ ય ચોંકી ઉઠયા હતાં. ટૂંકમાં, આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે ં ગુજરાતમાં પાટીદાર પાવર ચાલ્યો છે જેના કારણે પટેલો ખુશખુશાલ થયા છે.

શનિવારે અચાનક વિજય રૂપાણીએ મુખ્યમંત્રીપદેથી રાજીનામુ ધરી દીધુ હતુ જેના પગલે ગુજરાતના રાજકારણમાં હલચલ મચી જવા પામી હતી. આ રાજકીય ઘટના બાદ નવા મુખ્યમંત્રીને લઇને અનેક રાજકીય અટકળોએ જોર પકડયુ હતું.

નીતિન પટેલ, પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, સી.આર.પાટીલ, પ્રફુલ પટેલ, આર.સી.ફળદુના નામો મુખ્યમંત્રીની રેસમાં રહ્યા હતાં. મુખ્યમંત્રીના નામની પસંદગી માટે ભાજપ હાઇકમાન્ડે કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર અને પ્રફુલ જોશીને તાકીદે ગાંધીનગર મોકલ્યા હતાં.

બંને નેતાઓ રવિવારે દસેક વાગે ચાર્ટર પ્લેનમાં અમદાવાદ આવી પહોચ્યા હતાં. આ નીરીક્ષકોએ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના બંગલે પહોચ્યા હતાં જયાં ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિતના નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક યોજાઇ હતી.

આ બેઠક પૂર્ણ થતાં જ ભાજપના બધાય ધારાસભ્યોને બપોરે બે વાગ્યા સુધી કમલમ પહોંચી જવા સૂચના અપાઇ હતી. કમલમમાં ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામને લઇને ભાજપના નેતાઓએ મંથન કર્યુ હતું. નવા મુખ્યમંત્રી માટેની મહત્વપૂર્ણ બેઠકને પગલે કમલમની આસપાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

બપોરે ત્રણ વાગે ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની દરખાસ્ત રજૂ કરી હતી. આ નામ સાંભળતા જ એક તબક્કે હોલમાં બેઠેલા ભાજપના ધારાસભ્યો ચોંકી ઉઠયા હતાં.

આનંદીબેન પટેલના વિશ્વાસુ એવા ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા હતાં જેને ભાજપના ધારાસભ્યોએ વધાવ્યા હતાં. કમલમમાં જાણે ચૂંટણી જેવો માહોલ છવાયો હતો. સવારથી જ કોણ મુખ્યમંત્રી બનશે તે અટકળોનો આખરે અંત આવ્યો હતો.

ભાજપ હાઇકમાન્ડે ફરી કડવા પાટીદાર પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. પાટીદારને મુખ્યમંત્રી બનાવાશે તે વાત સાચી ઠરી હતી પણ નવા મુખ્યમંત્રી તરીકે જે દાવેદારોના નામ ચર્ચાઇ રહ્યા હતાં જેનાથી એકદમ અજાણ્યુ નામ આવતાં રાજકીય પંડિતો ખોટા ઠર્યા હતાં.

મુખ્યમંત્રી તરીકે નામની ઘોષણા થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ સીધા જ રાજયપાલને મળવા પહોંચ્યા હતાં જયા સરકાર રચવાનો દાવો રજૂ કરાયો હતો. સોમવારે પાટનગર ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. હવે નવા મંત્રીમંડળમાં કોણ મંત્રી હશે તે અટકળોએ જોર પકડયુ છે.

ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે નિયુકત થયેલા ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરમાં રાજયના ૧૭માં મુખ્યમંત્રી પદના શપથ લેશે. માત્ર તેમના એકલાનો શપથવિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જયારે મંત્રીમંડળની શપથવિધિ પાર્ટીના આગેવાનો સાથે નામોની ચર્ચા કરીને યોજાશે.

શપથવિધિ પહેલાં ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતને મળીને તેમના નેતૃત્વમાં નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપરત કર્યો હતો. આ પ્રસંગે કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોષી અને ભાજપના પ્રદેશ અગ્રણીઓ તેમજ સંસદસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

પદનામિત મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ ૧૩મી સપ્ટેમ્બરે બપોરે બે વાગ્યા પછી નિયત કરવામાં આવ્યો છે. આ શપથવિધિ રાજભવનમાં યોજાશે. સૂત્રો કહે છે કે તેમની કેબિનેટના સભ્યોનો શપથવિધિ બે દિવસ પછી યોજવામાં આવશે.

પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આજે માત્ર ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરશે જયારે કેબિનેટની શપથવિધિ મોવડીઓ સાથેની ચર્ચામાં નામો નક્કી કરીને બે દિવસમાં કરાશે. ગુજરાતમાં નવા મુખ્યમંત્રીની સાથે બે નાયબ મુખ્યમંત્રી હશે તેવી અટકળો શરૂ થઇ છે.

પાર્ટીના સૂત્રો કહી રહ્યાં હતા કે ઉત્તરપ્રદેશની જેમ બે નાયબ મુખ્યમંત્રીની પોસ્ટ ઉભી કરીને ગુજરાતમાં જ્ઞાતિ અને વિસ્તારને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરાશે પરંતુ કમલમમાં આખો દિવસની ચર્ચાને અંતે આ પ્રશ્ન લટકતો રહ્યો છે.

અલબત્ત, ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રીની પોસ્ટ હશે કે કેમ તેવા એક સવાલના જવાબમાં સીઆર પાટીલે કહ્યું હતું કે આજની કોર ગ્રૂપની બેઠક કે ધારાસભ્યો સાથેની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીના પદ અંગે કોઇ ચર્ચા થઇ નથી.

ભૂપેન્દ્ર પટેલને અણસાર સુધ્ધાં ન હતો કે, રવિવારની બપોર તેમના રાજકીય કારકિર્દીમાં અણધાર્યો વણાંક આવી રહ્યો છે. અમદાવાદમાં બોપલમાં બીઆરટીએસ રૂટ પર વૃક્ષારોપણ કર્યુ હતું અને બપોરે જ તેમને જાણે મુખ્યમંત્રીપદનુ ફળ મળ્યુ હતું. 'આને જ કહેવાય નસીબની બલિહારી'.

ગુજરાતના નવા મુખ્યમંત્રીની શોધખોળ તેજ બની હતી અને ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠકોનો દોર ચાલી રહ્યો હતો. રવિવારે સવારે બોપલમાં ભૂપેન્દ્ર પટેલ સંગઠનના કાર્યકરોને સંબોધિત કર્યા હતા અને આગામી દિવસોમાં આયોજીત કાર્યક્રમની માહિતીથી વાકેફ કર્યા હતાં. આ ઉપરાંત જાતે પાવડાથી ખાડો ખોદી વૃક્ષ રોપ્યુ હતું.

બપોરે ભૂપેન્દ્ર પટેલ વાદળી ઝભ્ભા અને સફેદ લેંઘામાં જ કમલમ પહોચ્યા હતાં. ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપવા પહોંચેલા ભૂપેન્દ્ર પટેલ છેક છેલ્લી ઘડી સુધી અજાણ રહ્યાં હતાં કે, નવા મુખ્યમંત્રી તરીકે તેમનુ નામ લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે નિરીક્ષકોને ગાંધીનગર મોકલ્યા છે.

ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્યોની બેઠકમાં ય હોલમાં છેલ્લી હરોળમાં બેઠા હતાં પણ જયારે ખુદ વિજય રૂપાણીએ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનુ નામ જાહેર કર્યુ હતું ત્યારે ખુદ ભૂપેન્દ્ર પટેલ પણ ચોંકી ઉઠયા હતાં. બે દિવસ પહેલાં સરદાર ધામના કાર્યક્રમમાં ય ભૂપેન્દ્ર પટેલ છેલ્લી હરોળમાં જ ગોઠવાયા હતાં. પાટીદારો દ્વારા આયોજીત કાર્યક્રમ હોવા છતાંય મૃદુ સ્વભાવ અને સાદગીને વરેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આમજનતા વચ્ચે બેઠા હતા.

(11:14 am IST)