Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

મ્યાનમારમાં ફરીવાર સેના અને લોકો વચ્ચે સંઘર્ષ :સેંકડો નાગરિકો મિઝોરમમાં ભાગી આવ્યા

આ લોકો રાજ્યના ચંપાઈ અને નહથીયાલ જિલ્લામાં આશ્રય લઈ રહ્યા છે

નવી દિલ્હી :મ્યાનમારમાં સેના સાથે વધતા સંઘર્ષ વચ્ચે દેશના સેંકડો નાગરિકો ભારતીય રાજ્ય મિઝોરમના બે જિલ્લામાં ભાગીને આવી ગયા. મિઝોરમ સરકારે આ માહિતી આપી છે. મિઝોરમના ગૃહમંત્રી લાલચમલિયાનાએ જણાવ્યું હતું કે, 'રાજ્યમાં કેટલા મ્યાનમારના લોકોએ પ્રવેશ કર્યો છે. તે અંગે ચોક્કસ આંકડા હજુ સુધી જાણી શકાયા નથી.'

ગૃહમંત્રીએ કહ્યું, 'છેલ્લા કેટલાક દિવસોમાં સેંકડો મ્યાનમારના નાગરિકો મિઝોરમમાં પ્રવેશ્યા છે. પરંતુ મને ચોક્કસ સંખ્યા ખબર નથી કારણ કે હાલ હું કોરન્ટાઇન છું. અહેવાલો અનુસાર, મિઝોરમને અડીને આવેલા મ્યાનમારના વિસ્તારોમાં સશસ્ત્ર નાગરિકો અને સેના વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી છે. હવે મ્યાનમારના નાગરિકો હિંસાથી ભાગવાના પ્રયાસમાં મિઝોરમ આવી રહ્યા છે.

આ વર્ષે માર્ચથી,હજારો મ્યાનમાર નાગરિકો મિઝોરમમાં પ્રવેશ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, હાલમાં પૂર્વોત્તર રાજ્યમાં આશરે 10,000 મ્યાનમારી નાગરિકો રહે છે. મિઝોરમના મુખ્ય સચિવ લલનનમાવિયા શુઆંગોએ જણાવ્યું હતું કે, 'તાજેતરના દિવસોમાં, સરહદ સાથેના વિસ્તારોમાં ઉગ્ર લડાઈ ચાલી રહી છે. તેના કારણે મોટી સંખ્યામાં મ્યાનમારના નાગરિકો મિઝોરમમાં પ્રવેશ કરી રહ્યા છે. આ લોકો રાજ્યના ચંપાઈ અને નહથીયાલ જિલ્લામાં આશ્રય લઈ રહ્યા છે. મને લાગે છે કે પરિસ્થિતિ સારી થતાં જ તેઓ પાછા જશે.

મિઝોરમ અને મ્યાનમાર વચ્ચે 510 કિલોમીટર લાંબી સરહદ છે. મિઝોરમમાં પ્રવેશતા મોટાભાગના શરણાર્થીઓ મ્યાનમારના ચીન બાજુથી આવે છે, જે મિઝોરમના છ જિલ્લાઓ ચંપાઈ, નહથીયાલ, સરચિપ, સૈટુઅલ, સિયાહા અને લોંગલાઈથી આવે છે.

(11:26 pm IST)