Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

બંગાળમાં ચૂંટણી હિંસામાં સીબીઆઈની કાર્યવાહી : 11 લોકોની ની ધરપકડ, 34 FIR અને 4 ચાર્જશીટ

બંગાળ હિંસા બાદ મમતા સરકારની સૌથી મોટી મુશ્કેલી માનવાધિકાર તપાસ સમિતિના રિપોર્ટથી વધી

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળની ચૂંટણી સમયે થયેલી હિંસામાં CBIની તપાસ આગળ વધી છે. આ અંગે તપાસ એજન્સી દ્વારા બે કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 34 FIR પણ નોંધવામાં આવી છે. આ સિવાય હિંસાની તપાસ દરમિયાન અલગ અલગ કેસમાં ચાર ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.

  કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ જ સીબીઆઈ દ્વારા બંગાળ હિંસાની તપાસ કરવામાં આવી રહી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે હત્યા અને બળાત્કાર જેવા કેસોની તપાસ સીબીઆઈ કરશે.

બીજી તરફ બાકીના કેસો માટે SITની રચના કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. તે SITની રચના પણ કરવામાં આવી હતી અને રાજ્ય સરકારે મદદ માટે 10 આઈપીએસ અધિકારીઓની નિમણૂક પણ કરી. તેમા નોર્થ, સાઉથ, વેસ્ટ અને કોલકાતા પોલીસના બે-બે અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી, જે હવે હિંસાની તપાસમાં SIT સાથે કામ કરશે.

એ જુદી વાત છે કે રાજ્ય સરકાર દ્વારા આ SIT ની રચના ત્યારે કરવામાં આવી જ્યારે એક અરજદારે કોર્ટમાં ફરિયાદ કરી હતી કે સરકાર તપાસમાં સહકાર આપી રહી નથી. તે અરજી બાદ જ SITની રચના કરવામાં આવી હતી અને હવે બંગાળ હિંસાની તપાસ ચાલી રહી છે.

  બંગાળ હિંસા બાદ મમતા સરકારની સૌથી મોટી મુશ્કેલી માનવાધિકાર તપાસ સમિતિના રિપોર્ટ દ્વારા વધી હતી. તે રિપોર્ટમાં સ્પષ્ટ રીતે હિંસા માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે સરકાર યોગ્ય રીતે કામ કરવામાં નિષ્ફળ રહી છે. તે અહેવાલમાં હિંસાની સીબીઆઈ તપાસની પણ માંગ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, પાછળથી તે અહેવાલના આધારે, કલકત્તા હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા.

(9:25 am IST)