Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

અલ જવાહિરીનો જીવિત હોવાનો વીડિયો સામે આવ્યો

દુનિયા માની ચુકી હતી તેને મૃત : અમેરિકા પર થયેલા આતંકી હુમલાની ૨૦મી વરસીએ જાહેર કરાયેલા એક વિડિયોમાં અલ જવાહિરી નજરે પડ્યો છે

નવી દિલ્હી,તા.૧૨ : આતંકી સંગઠન અલ કાયદા ચીફ અયમાન અલ જવાહિરી જીવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. તાજેતરમાં જ તે માર્યો ગયો હોવાના અહેવાલો આવ્યા હતા. જે અફવા સાબિત થયા છે. અમેરિકા પર થયેલા આતંકી હુમલાની ૨૦મી વરસીએ જાહેર કરાયેલા એક વિડિયોમાં અલ જવાહિરી નજરે પડ્યો છે. અમેરિકાના ઈન્ટેલિજન્સ ગ્રૂપના કહેવા પ્રમાણે જવાહિરીએ ઘણા મુદ્દાઓ પર આ વિડિયોમાં વાત કરી છે. જવાહિરીનો વિડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે દુનિયા તેને મૃત માની ચુકી હતી. નવેમ્બરમાં સામે આવેલા અહેવાલમાં કહેવાયુ હતુ કે, તેનુ મોત થઈ ચુકયુ છે. આ વર્ષે જુન મહિનામાં સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો કે, અલ કાયદાના કેટલાક આંતકીઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સીમા સાથે જોડાયેલા એક વિસ્તારમાં રહે છે અને જવાહિરી પણ જીવતો છે. જોકે હવે તે બહુ નબળો પડી ચુકયો છે.

          અમરેકિન ઈન્ટેલિજન્સ ગ્રૂપના રિટા કાટ્ઝે કહ્યુ છે કે, જવાહિરી ૬૦ મિનિટના વિડિયોમાં દેખાય છે અને એવા પૂરાવા પણ સામે આવ્યા છે કે તે મર્યો નથી. ઉલ્લેખનીય છે કે, ઓસામા બીન લાદેનના મોત બાદ જવાહિરીએ અલ કાયદાની કમાન સંભાળી હતી. જે વિડિયોમાં તે જોવા મળ્યો છે તેમાં તેણે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોના પાછા ફરવાનો ઉલ્લેખ કર્યો છે. જોકે તાલિબાનની અફઘાનિસ્તાન પરની જીતને લઈને તેણે કશું આ વિડિયોમાં કહ્યુ નહોતુ. જાણકારોનુ માનવુ છે કે, જવાહિરી હવે પહેલા જેટલો સક્રિય રહ્યો નથી. કારણકે તેનુ સ્વાસ્થ્ય હાલમાં ખરાબ છે.

(9:29 pm IST)