Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ઈંગ્લેન્ડમાં ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડના ખેલાડીએ કમાલ સર્જી :ડેબ્યુ મેચમાં જ ફટકારી બેવડી સદી

22 વર્ષીય ડાબોડી ઓલરાઉન્ડર રચિને 318 બોલની ઈનિંગમાં 32 ચોગ્ગા સાથે 217 રન બનાવ્યા

યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં છે. બંને ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે, જેમાં ન્યૂઝીલેન્ડ 0-1 થી પાછળ છે. આ શ્રેણીમાં બહુ ઓછા કિવી ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે, ખાસ કરીને ડેરીલ મિશેલ, જેણે સતત બે ઇનિંગ્સમાં સદી ફટકારી છે. તેની ઘણી ચર્ચા છે, પરંતુ કિવી ટીમ સિવાય, ઇંગ્લેન્ડમાં ન્યુઝીલેન્ડના બીજા ઘણા ખેલાડીઓ છે, જેઓ કાઉન્ટી ક્રિકેટમાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે અને સારું પ્રદર્શન કરી રહ્યા છે. આમાં એક ખેલાડી એવો પણ છે, જે ડેબ્યૂ મેચમાં માસ્ટર બની રહ્યો છે. ભારત સામે ટેસ્ટ ડેબ્યૂમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે તેણે ઈંગ્લેન્ડમાં પણ ડેબ્યૂ કર્યું છે, તે પણ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સની ટીમમાંથી. આ ખેલાડી છે, રચિન રવિન્દ્ર.

ન્યુઝીલેન્ડનો ભારતીય મૂળનો 22 વર્ષીય સ્પિન ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર હાલમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમી રહ્યો છે. રચિન પ્રથમ વખત કાઉન્ટી ક્રિકેટનો ભાગ બન્યો છે અને તેની શરૂઆત આશ્ચર્યજનક રહી છે. તે ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સની કાઉન્ટી ટીમ ડરહમ ક્રિકેટ ક્લબ તરફથી રમી રહ્યો છે અને રચિન રવિન્દ્રએ ડેબ્યૂ મેચમાં જ જબરદસ્ત બેવડી સદી ફટકારી હતી.

22 વર્ષીય ડાબોડી ઓલરાઉન્ડર રચિને સોમવારે 13 જૂને 217 રનની શાનદાર ઇનિંગ રમીને તેની કાઉન્ટી કારકિર્દીની મજબૂત શરૂઆત કરી હતી. ન્યુઝીલેન્ડ માટે ક્રમ નીચે બેટિંગ કરનાર રચિને ડરહામ માટે ઓપનિંગ કર્યું અને રવિવારે મેચના પહેલા જ દિવસે સદી ફટકારી. બીજા દિવસે પણ તેની ધમાલ જારી રહી અને તેણે તેની સદીને બેવડી સદીમાં બદલીને તેણે રાહત લીધી. તેણે 318 બોલની ઈનિંગમાં 217 રન બનાવ્યા જેમાં 32 ચોગ્ગા સામેલ હતા. તેની ઈનિંગ્સને કારણે ડરહમે વોર્સેસ્ટરશાયર સામે 642 રનમાં પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.

થોડાક સમય અગાઉ ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસમાં રચિન રવિન્દ્રની સૌથી વધુ ચર્ચા થઈ હતી. તેણે ભારતના પ્રવાસમાં જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેના નામને લઈને ઘણી ચર્ચા થઈ હતી કારણ કે તેના માતા-પિતાએ રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરના નામ પર રચિનનું નામ રાખ્યું હતું. જો કે, તેણે તેના જોરદાર પ્રદર્શન સાથે નામના કારણે ચર્ચા બનાવી દીધી હતી. કાનપુર ટેસ્ટમાં ડેબ્યૂ કરી રહેલા રચિને છેલ્લા દિવસે આઠમા નંબર પર લગભગ દોઢ કલાક બેટિંગ કરી અને 11માં નંબરના બેટ્સમેન એજાઝ પટેલ સાથે ભાગીદારી કરીને ભારતને છેલ્લી વિકેટ મેળવવાથી અટકાવી અને મેચ ડ્રો કરવામાં સફળ રહ્યો.

(11:56 pm IST)