Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

નવાબ મલિક અને અનિલ દેશમુખે ફરી બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા : મતદાન માટે જેલમુક્તિની કરી અપીલ

બંનેએ હવે એમએલસી ચૂંટણીમાં મતદાન કરવા માટે 20 જૂને એક દિવસ માટે જેલમાંથી મુક્ત થવા વિનંતી કરી

મુંબઈ :  જેલમાં બંધ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો નવાબ મલિક અને અનિલ દેશમુખે મુંબઈ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો અને મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં  મતદાન કરવા માટે 20 જૂને એક દિવસ માટે જેલમાંથી મુક્ત થવાની અપીલ કરી છે. દેશમુખ અને મલિક 10 જૂને યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં તેમનો મત આપી શક્યા ન હતા કારણ કે વિશેષ PMLA કોર્ટે તેમને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે મુક્ત કરવાનો ઈનકાર કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે પણ નીચલી કોર્ટના આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. બંનેએ હવે એમએલસી ચૂંટણીમાં મતદાન કરવા માટે 20 જૂને એક દિવસ માટે જેલમાંથી મુક્ત થવા વિનંતી કરી છે.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન દેશમુખે આ વર્ષની શરૂઆતમાં દાખલ કરેલી તેમની જામીન અરજીમાં જેલમાંથી એક દિવસની મુક્તિની વિનંતી સાથે અરજી દાખલ કરી છે. NCP નેતાની અપીલ તેમના વકીલ ઈન્દરપાલ સિંહ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જસ્ટિસ એન. જે. જામદારની સિંગલ ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી હતી. જસ્ટિસ જામદારે આ મામલાની સુનાવણી માટે 15 જૂનની તારીખ નક્કી કરી છે.

જસ્ટિસ ભારતી ડાંગરેની સિંગલ બેંચ સમક્ષ વર્તમાન કેબિનેટ મંત્રી મલિકની અરજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમના વકીલ કુશલ મોરે દેશમુખની અરજી સાથે મલિકની અરજીને ટેગ કરવાની પરવાનગી માંગી હતી અને બંને કેસની સુનાવણી 15 જૂને જસ્ટિસ જામદાર દ્વારા કરવાની મંજૂરી આપી હતી. જસ્ટિસ ડાંગરેએ મોરને 14 જૂને (મંગળવારે) આ બાબતનો ઉલ્લેખ કરવા જણાવ્યું હતું.

 

મલિકના વકીલોએ (તારક સઈદ અને કુશલ મોર) શરૂઆતમાં વિશેષ અદાલતના આદેશને પડકારતી રાજ્ય મંત્રી દ્વારા દાખલ કરાયેલી અગાઉની અરજીમાં સુધારાની માંગ કરી હતી. તે અરજી પર કોર્ટે 10 જૂને રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન માટે તેમને મુક્ત કરવાનો ઈનકાર કર્યો હતો. સઈદે સોમવારે જસ્ટિસ પીડી નાઈકની સિંગલ બેન્ચને જણાવ્યું હતું કે તેઓ અરજીમાં સુધારો કરવા અને 10 જૂનની તારીખ 20 જૂનથી ખસેડવા માગે છે. સઈદે જણાવ્યું હતું કે બીજી ચૂંટણી 20 જૂને યોજાવા જઈ રહી છે. અમે માત્ર એક જ સુધારો કરીશું જે તારીખ બદલવાનો છે. બીજી બધી વિનંતી એ જ રહેશે. તેના પર જસ્ટિસ નાઈકે કહ્યું કે આવો સુધારો કરી શકાય નહીં, કારણ કે હેતુ બદલાઈ ગયો છે.

જસ્ટિસ નાઈકે કહ્યું તમે (મલિક) જે ચૂંટણી માટે 10 જૂને મતદાન કરવા માગતા હતા તે ચૂંટણી પૂરી થઈ ગઈ છે. હવે, તમે વધુ એક ચૂંટણી માટે મુક્તિની માંગ કરી રહ્યા છો. આ સાથે અરજી ફગાવી દેવામાં આવે છે. તમારે નવી પિટિશન ફાઈલ કરવી પડશે.

ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સાથે જમીનના સોદા કરતી વખતે મની લોન્ડરિંગ કેસમાં આ વર્ષે 23 ફેબ્રુઆરીએ મલિકની ધરપકડ કરી હતી.

(11:51 pm IST)