Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કલેક્ટરની ગાય બીમાર પડતાં સાત વેટરનરી ડોક્ટર્સ તહેનાત

પ્રયાગરાજમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો : ૯ જૂનના રોજ અપાયેલા આ આદેશ બાદમાં પરત ખેંચી લેવામાં આવ્યો, કલેક્ટરે પોતાની વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું

પ્રયાગરાજ, તા.૧૩ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ફતેહપુરના કલેક્ટરની એક ગાય બીમાર પડી ગઈ. તો મુખ્ય પશુચિકિત્સા અધિકારી દ્વારા તેની સાર સંભાળ રાખવા માટે વિચિત્ર આદેશ કરવામાં આવ્યો. તેઓએ એક અઠવાડિયા માટે સાત વેટરનરી ડૉક્ટર્સને આ ગાયની સાર સંભાળ રાખવા માટે આદેશ આપ્યો હતો. જો કે, ગઈ ૯ જૂનના રોજ આપવામા આવેલા આ આદેશ બાદમાં પરત ખેંચી લેવામાં આવ્યો હતો. બાદમાં આ આદેશની કોપી રવિવારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. જે બાદ કલેક્ટર અપૂર્વા દૂબે તેને પોતાની વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું હતું.

કાર્યકારી સીવીઓ ડૉક્ટર એસ.કે.તિવારીએ સહી કરેલા પત્રમાં જિલ્લાના સાત પશુ ચિકિત્સકોને ફતેહપુરના કલેક્ટરની બીમાર પડેલી ગાયની સાર સંભાળ લેવા માટે જણાવ્યું હતું.

એટલું જ નહીં સાતેય વેટરનરી ડૉક્ટર્સને દિવસમાં બે વાર બીમાર ગાયની તપાસ કરવાની અને તેનો ડેઈલી રિપોર્ટ સીવીઓને મોકલવાનું પણ કહેવામાં આવ્યું હતું. સાથે જ લેટરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ ડૉક્ટર રજા લે તો એના બદલે દમાપુરમાં ફરજ બજાવતા વેટરનરી ડૉક્ટરે આ ડ્યૂટી કરવાની રહેશે. જેમાં કોઈ પણ જાતની ઢીલાશ રાખવામાં ન આવે.

જો કે, રવિવારે સહી કરેલા એક પત્રમાં સ્પષ્ટતા કરતા કલેક્ટર અપૂર્વા દૂબેએ જણાવ્યું કે, તેઓએ ક્યારેય આવી કોઈ સેવા માટે વાત કરી નથી. સાથે જ તેઓએ એવો પણ આરોપ લગાવ્યો કે કાર્યકારી સીવીઓએ મનસ્વી રીતે આ પત્ર જાહેર કર્યો હતો. કલેક્ટર અપૂર્વા દૂબેએ એવું પણ જણાવ્યું કે, જો હું આમાં સામેલ હોઉં કે પછી મેં આવી કોઈ વિનંતી કરી હોત તો જાહેર કરવામાં આવેલા લેટર કે ઓર્ડરની નકલ પ્રોટોકોલ મુજબ મને પણ જાણ કરવામાં આવી હોત.

બીજી તરફ, ફેતહપુરના સીવીઓ ડૉક્ટર આ.ડી.અહીરવરે જણાવ્યું કે, હું ગઈ ૨૮ મેથી રજા પર છું અને મારા ડેપ્યુટી ડૉક્ટર એસ.કે. તિવારી ચાર્જ સંભાળી રહ્યા છે. આ પત્ર વિશે મને કોઈ જાણ નથી. જો કે, ડૉક્ટર તિવારીને વારંવાર ફોન કરવા છતા તેઓએ જવાબ આપ્યો નહોતો.

 

(8:08 pm IST)