Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

બજારમાં અસલી હીરાની અછતથી વધ્‍યુ નકલી હીરાનું ઉત્‍પાદન

સીન્‍થેટીક હીરાની માંગમાં જોરદાર વધારો : રશીયા-યુક્રેન યુધ્‍ધે બદલી નાખી હીરાની ચમક

નવી દિલ્‍હી, તા.૧૩: રશીયા અને યુક્રેન વચ્‍ચે ચાલી રહેલા યુધ્‍ધથી હીરાની ચમકમાં ચોખ્‍ખા ફેરફાર દેખાઇ રહ્યા છે. યુધ્‍ધના કારણે કુદરતી (અસલી) હીરાની ચમક ફીક્કી પડી છે તો નકલી (લેબ નિર્મીત) હીરાની ચમકમાં નિખાર આવી ગયો છે. બજારમાં અસલી હીરાની અછત સામે લડવા નકલી હીરાનું ઉત્‍પાદન વધી ગયુ છે.
ભારતમાં ૩૦ ટકા કાચા હીરાની આયાત રશીયાથી થાય છે. રશીયા-યુક્રેન યુધ્‍ધના કારણે સપ્‍લાયને અસર થઇ છે, જયારે વૈશ્‍વિક બજારમાં તૈયાર હીરાની માંગ વધી છે. જેના લીધે તેના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને સીન્‍થેટીક હીરાની માંગ વધી છે. નીલ વ્‍હાઇટ એકસપોર્ટ કંપનીના એમડી નરેશ મહેતા કહે છે કે હીરાની માગ વધી છે. બજારમાં કુદરતી અને સીન્‍થેટીક બંને હીરાની માંગમાં તેજી આવી છે. આના કારણે ભાવો પણ વધ્‍યા છે. કુદરતી હીરાની કિંમતો વધવાનું અસલી કારણ કાચા હીરાના સપ્‍લાયમાં ઘટાડો નહીં પણ અફવાઓના કારણે ભાવોમાં રોજ ચડાવ-ઉતાર થઇ રહ્યો છે.
રશીયા યુક્રેન યુધ્‍ધના કારણે અમેરિકામાં રશીયાથી આયાત થતા રફ, કટ અને પોલીશ્‍ડ હીરા પર પ્રતિબંધ મુકયો છે. ભારતમાં તૈયાર કટ અને પોલીશ્‍ડ હીરાનું સૌથી મોટું બજાર અમેરિકા છે એટલે રશીયાથી કાચા હીરાના ઓછા સપ્‍લાયથી બજારને બહુ અસર નથી થઇ પણ તેમ છતા તેની અસર જરૂર છે. કાચા હીરાનો સપ્‍લાય ઘટયો છે એટલે ડીટીસી સાઇટે કાચા (રફ) હીરાના ભાવે વધારી દીધા છે. ડીટીસીએ હળવી સાઇઝના તૈયાર હીરાની માંગ વધતા ભાવમાં ૫ થી ૮ ટકા વધારો કર્યો છે. જેના કારણે ઘરેણામાં ઉપયોગમાં લેવાતા નાના રફના ભાવો વધ્‍યા છે.
નાઇડન ડાયમંડસના ચેરમેન સંજય શાહ કહે છે કે સીન્‍થેટીક હીરાની માંગ કુદરતી હીરા કરતા વધી છે. એ જોવામાં અસલી હીરા જેવા જ હોય છે પણ તેના ભાવ અસલી હીરા કરતા ૭૦-૮૦ ટકા ઓછા હોય છે. એટલે તેની માંગ વધી છે. સંજય શાહ અનુસાર, અત્‍યારે ભારત વિશ્‍વના ૧૫ ટકા સીન્‍થેટીક હીરાનું ઉત્‍પાદન કરે છે જેને વધારે શકાય છે કેમ કે ભાવો ઓછા હોવાના કારણે ઘરેલુ અને વૈશ્‍વિક બજારોમાં તેની માંગ ઝડપથી વધતી જાય છે.

 

(3:49 pm IST)