Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ફાસ્‍ટેગ યુઝર્સ પાસેથી ડબલ નાણા વસુલાતા હોવાની, નિયત સમયમાં વાહનો પસાર થઇ શકતા નહિ હોવાની ફરીયાદો

રાજકોટ, તા., ૧૩:  રાષ્‍ટ્રીય ધોરી માર્ગો ઉપર ટોલ પ્‍લાઝા પરથી વાહનો ઝડપથી પસાર થઇ શકે તે માટે સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી ‘ફાસ્‍ટેગ' નામની પ્રિપેઇડ સુવિધા આપવામાં અનેક ક્ષતિઓ રહેલી હોવાની ફરીયાદો ઉઠી છે.
દેવેન્‍દ્રભાઇ પતાણી નામના ફાસ્‍ટેગ યુઝર્સે આ બાબતમાં ચેમ્‍બર ઓફ કોમર્સ અને ઓથોરીટીને વિસ્‍તૃત ફરીયાદો કરી હોવા છતાં આ ફરીયાદોનું યોગ્‍ય નિરાકરણ આવતુ નથી.
વડોદરા એકસપ્રેસ હાઇવે ઉપર પસાર થયેલા ફાસ્‍ટેગ યુઝર્સ વાહન ચાલકે તેમના બેંક એકાઉન્‍ટમાંથી કપાયેલા નાણાનું સ્‍ટેટમેન્‍ટ રજુ કરી અયોગ્‍ય ચાર્જ વસુલાયાની ફરીયાદ કરી છે. રજુઆતકર્તાએ જણાવ્‍યું છે કે, આવતી અને જતી વખતે એકસપ્રેસ હાઇવે પરના ટોલ પ્‍લાઝા પરથી અલગ-અલગ દર વસુલાયો છે. તે કેટલુ વ્‍યાજબી છે? અનેક વખત સર્વર ડાઉન હોવાથી નિયત સમયમાં ફાસ્‍ટેગ યુઝર્સ પોતાના વાહનો સાથે ટોલ પ્‍લાઝા પરથી પસાર થઇ શકતા નથી. જેના કારણે નાણા અને સમયનો વેડફાટ થઇ રહયો છે. મારા જેવા લાખો ફાસ્‍ટેગ ધારકો આવી સમસ્‍યાનો સામનો કરી રહયા છે. કરોડો રૂપીયાની ગેરકાયદે વસુલાત  થઇ રહી છે. કેન્‍દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરી આપણા દેશના વાહન ચાલકો માટે સારા રસ્‍તાઓનું નિર્માણ કરી આધુનિક સુવિધાઓ પુરી પાડવા માટે કટીબધ્‍ધતા વ્‍યકત કરે છે પરંતુ સિસ્‍ટમની ખામીના કારણે વાહન ચાલકો ભોગ બની રહયા છે. આ સમસ્‍યાનું નિરાકરણ કયારે મળશે ?

 

(3:48 pm IST)