Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રૂપિયો ઉંધામાથે ગબડયો : ૧ ડોલરના ઇન્‍ટ્રા-ડે ૭૮.૨૯

રૂપિયામાં ઐતિહાસિક ગાબડુ : લાઇફ ટાઇમ લો : ૪૬ પૈસા તૂટયો : આયાત મોંઘી થવાના એંધાણ : મોંઘવારી વકરશે : ઉંડી અસર પડશે

નવી દિલ્‍હી તા. ૧૩ : ડોલર સામે રૂપિયો આજે ઉંધામાથે ગબડયો છે. ડોલર સામે રૂપિયો આજે ૪૬ પૈસા તૂટી ૭૮.૨૯ની ઓલટાઇમ લોની સપાટીએ પહોંચી ગયો છે. જેની ઘેરી અસર પડશે. આયાત મોંઘીદાટ થઇ જશે. એટલુ જ નહિ મોંઘવારીનો રાક્ષસ બેફામ બનીને ધુણવા લાગશે. છેલ્લો ભાવ બપોરે ૭૮.૦૭ છે.
શેરબજારમાં વેચવાલીના કારણે બજારમાં ફરી સલામતી તરફ દોટ જોવા મળી રહી છે. વિદેશી ફન્‍ડ્‍સની સતત વેચવાલીને કારણે  ભારતીય ફોરેકસ અનામત ઘટી રહી છે.  આજે બજાર ખુલતા ડોલર સામે રૂપિયો વધુ ૪૬ પૈસા ઘટી ૭૮.૨૯ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ પટકાયો છે.
ભારતીય શેરબજારમાં એકતરફી વેચવાલી અને સામે પક્ષે ક્રૂડ-ડોલરની તેજી ભારતીય રૂપિયા પર દબાણ સર્જી રહી છે. રૂપિયો ડોલરની સામે સોમવારના શરૂઆતી સેશનમાં જ ઐતિહાસિક તળિયે પહોંચ્‍યો છે.
ભારતીય કરન્‍સી રૂપિયો ડોલરની સામે આજે ઈતિહાસમાં પ્રથમ વખત ૭૮ પ્રતિ યુએસ ડોલરને પાર નીકળ્‍યો છે. નવા સપ્તાહની શરૂઆતમાં જ બેંચમાર્ક ઈન્‍ડાયસિસ ૨.૫૦%થી વધુ નીચે ખુલતા અને બ્રેન્‍ટ ક્રૂડ ચીનમાં કોરોનાનો ઓછાયો ઓસરવા છતા અને પાબંદીઓ હટવા છતા ૧૨૧ ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. સામે પક્ષે ડોલર ઈન્‍ડેકસ અડધા ટકાના ઉછાળે ૧૦૪.૪૦ પર પહોંચતા રૂપિયામાં ઘસારો જોવા મળી રહ્યો છે.
ડોલરની સામે ભારતીય રૂપિયો ૭૭.૮૩ના બંધની સામે ૭૮.૧૧ના ઓલટાઇમ લો સપાટીએ ખુલ્‍યો હતો અને ૭૮.૨૦ની આસપાસ કામકાજ કરી રહ્યો છે.
આ સિવાય ૧૦ વર્ષના સરકારી બોન્‍ડની યિલ્‍ડ ૭.૬૦%ની આસપાસ કામકાજ કરી રહી છે.
ભારતીય વેપાર ખાધ - ઊંચી આયાત સામે ઓછી નિકાસ - વિક્રમી સ્‍તરે છે તેની અસર પણ રૂપિયા ઉપર ત્રણ મહિનાથી જોવા મળી રહી છે.
રૂપિયો જેમ નબળો પડે તેમ આયાત મોંઘી થાય છે અને તેના કારણે ભારત ઉપર આયાતી ફુગાવાની શક્‍યતા પણ વધી છે.. ભારત ક્રૂડ ઓઇલ, કોપર, ખાદ્યતેલ જેવી ચીજોની આયાત કરે છે.
દરમિયાન આજે સવારે માર્કેટ ખૂલતા વેંત ડોલર સામે રૂપિયો ‘ઓલ ટાઇમ લો' તળીયે પહોંચ્‍યો છે અને ૧ ડોલર બરાબર રૂા. ૭૮.૨૯ જેવો રહ્યો હોવાનું ન્‍યુઝ ફર્સ્‍ટમાં અર્પિત ત્રિવેદીનો હેવાલ જણાવે છે.
અત્‍યાર સુધીના ઇતિહાસમાં રૂપિયો પ્રથમ વખત આટલો તળીયે પટકાયો છે. રૂપિયો તળીયે જતા તેના પગલે ફરી બધુ મોંઘુ થવાની સંભાવના છે. પેટ્રોલ, ડિઝલ, આયાત થતી ચીજોને ગંભીર અસર પડશે.
મોદી સરકારે રૂપિયાને ફરી મજબૂત બનાવવા તાત્‍કાલિક પગલા ભરવા પડે તેવી સ્‍થિતિ સર્જાઇ છે. રિઝર્વ બેંકના અધિકારીઓ પણ ભારે ચિંતામાં મુકાયા છે.
જેમના સંતાનો વિદેશ ભણે છે તેમનું બજેટ ખોરવાઇ જવાની ભીતી સર્જાયેલ હોવાનું નિષ્‍ણાંતો માની રહ્યા છે.
એફ.આઇ.ની સતત ૩ મહિનાથી વેચવાલી, ડોલર સામે રૂપિયો ગગડતા અને આજે વિદેશના શેરબજારો ભારે ગગડતા મુંબઇ શેર બજારમાં પ્રી ઓપન સેશનમાં ૧૩૦૦ પોઇન્‍ટનો કડાકો બોલ્‍યો હતો.

 

(3:23 pm IST)