Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

KCRએ વિપક્ષમાંથી ‘BJPનો વિરોધ' કરવાની આશા છોડી દીધી : નવી રાષ્‍ટ્રીય પાર્ટી શરૂ કરશે

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને પૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાને મળ્‍યા બાદ કેસીઆરએ કહ્યુ હતુ કે ટૂંક સમયમાં દેશમાં સનસનાટી મચી જશે

નવી દિલ્‍હી,તા.૧૩: તેલંગાણાના મુખ્‍યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી એન્‍ટ્રી કરવાની તૈયારી કરી રહ્યા છે. અહેવાલ છે કે તેમણે જૂનમાં રાષ્ટ્રીય પાર્ટી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભૂતકાળમાં, કેસીઆરએ વિરોધ પક્ષોના ઘણા મોટા નેતાઓ સાથે બેઠક કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મોરચો તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં જ તેલંગાણાના સીએમએ મોટા સમાચાર આપ્‍યા હતા.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, નવી પાર્ટી અંગે અંતિમ નિર્ણય ૧૯ જૂને લેવાનો છે. શુક્રવારે જ મુખ્‍યમંત્રીએ રાજયના મંત્રીઓ અને પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી. માનવામાં આવે છે કે ‘ભારત રાષ્ટ્ર સમિતિ'ના નામ પર સર્વસંમતિ સધાઈ છે. તે જ સમયે, આ પાર્ટીની ચૂંટણી પંચમાં નોંધણીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.

દિલ્‍હીના મુખ્‍ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને ભૂતપૂર્વ વડાપ્રધાન દેવ ગૌડા સાથે મુલાકાત કર્યા પછી, કેસીઆરએ કહ્યું હતું કે ટૂંક સમયમાં દેશમાં સનસનાટી મચી જશે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે ભાજપ અને કોંગ્રેસ વિરોધી દળોને એક મંચ પર લાવવામાં નિષ્‍ફળ રહ્યા બાદ કેસીઆરે રાષ્ટ્રીય પક્ષ જાહેર કરવાનું વિચાર્યું છે.

છેલ્લા કેટલાક મહિનામાં શિવસેના, ડીએમ, કે, આરજેડી, એસપી અને જેડી(એસ) સહિત ઘણા રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસના વિકલ્‍પને લઈને કોઈ પણ મોરચે સહમત થઈ શક્‍યા નથી. ખાસ વાત એ છે કે અનેક પ્રયાસો બાદ પણ પશ્ચિમ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જી અને કેસીઆર વચ્‍ચે મુલાકાત થઈ શકી નથી. આ ઉપરાંત તે ઓડિશાના સીએન નવીન પટનાયક અને આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીને પોતાની સાથે લાવવામાં નિષ્‍ફળ રહ્યા હતા. 

(10:10 am IST)