Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

એક અબજ ડોલરનું વળતર ચૂકવો પછી જહાજ મુક્ત થશે: ઈજિપ્તે સુએજ નહેરમાં ફસાયેલા જહાજ કંપની પાસે વળતરની માગણી કરી: ભારતીય ક્રુમેમ્બર્સ પણ ફસાયા

સુએજ કેનાલ ઓથોરિટીએ કહ્યું હતું કે ઈજિપ્તે સુએજ નહેરમાં ફસાયેલા જહાજની કંપની પાસે વળતરની માગણી કરી છે. જ્યાં સુધી કંપની વળતર નહીં આપે ત્યાં સુધી જહાજ અને તેના ક્રુમેમ્બર્સને મુક્ત કરવામાં નહીં આવે. એમાં ભારતીય ક્રુમેમ્બર્સ પણ ફસાયા છે.

સુએજ કેનાલ ઓથોરિટીના પ્રવક્તા ઓસામા રોબીએ કહ્યું કે બંને પક્ષે ટૂંક સમયમાં સમજૂતી થઈ જશે એવી આશા છે. :કંપની ઈજિપ્તને એક અબજ ડોલરનું વળતર આપવા તૈયાર થશે, એ જ પળે જહાજને મુક્ત કરી દેવાશે.: સુએજ કેનાલ ઓથોરિટીએ કહ્યું હતું કે જહાજને કાઢવાની પ્રક્રિયામાં જે ખર્ચ થયો એટલાની જ માગણી કરવામાં આવી રહી છે. જહાજને કાઢવામાં ૮૦૦ લોકોને લગાડવામાં આવ્યા હતા અને ઘણી મશીનરીનો ઉપયોગ થયો હતો.

આ જહાજ જાપાની કંપની શુઈ કિશેન કાશા લિમિટેડના પ્રવક્તાએ કહ્યું હતું કે કંપનીને હજુ સુધી કોઈ જ નોટિસ મળી નથી. જહાજને મુક્ત ન કરવા મુદ્દે જાપાની કંપનીએ લંડનની કોર્ટમાં પણ અરજી કરી છે. કંપનીના વડા એરિક હેશહે કહ્યું હતું કે કંપની કાર્ગોના વિલંબ માટે જવાબદારીમાંથી મુક્ત છે, કારણ કે એ ક્લેઈમ તો વીમા દ્વારા કવર થાય છે.
આ બધી દલીલો વચ્ચે ખરી મુશ્કેલી જહાજમાં ફસાયેલા ક્રુ-મેમ્બર્સ ભોગવી રહ્યાં છે. ભારતના ૨૫ ક્રુમેમ્બર્સ આ જહાજ મુદ્દે બંને પક્ષે સમાધાન નહીં થાય ત્યાં સુધી ફસાયેલા રહેશે.

(12:58 am IST)