Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

૨૪ કલાકમાં ૧૫,૯૬૮ નવા કેસઃ માત્ર ૨ રાજયોમાં ૫૦,૦૦૦ વધુ એક્‍ટિવ કેસ

એક્‍ટિવ કેસોના મામલે ભારત હવે દુનિયામાં ૧૪માં સ્‍થાને આવી ગયું: ૨૪ કલાકમાં ૨૦૨ દર્દીઓએ જીવ ગુમાવ્‍યો

નવી દિલ્‍હી, તા.૧૩: ભારત હવે એક્‍ટિવ કેસોના મામલે દુનિયામાં ૧૪મી સ્‍થાને આવી ગયું છે. દર્દીઓની સંખ્‍યા આવી જ રીતે દ્યટતી રહેશે તો ટૂંક સમયમાં ટોપ-૧૫ સંક્રમિત દેશોની યાદીમાંથી પણ ભારત બહાર થઈ જશે. બુધવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ માત્ર બે રાજયોમાં ૫૦ હજારથી વધુ એક્‍ટિવ કેસો જોવા મળ્‍યા છે. કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૫,૯૬૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૦૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્‍યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્‍યા વધીને ૧,૦૪,૯૫,૧૪૭ થઈ ગઈ છે.

 આ ઉપરાંત, દેશમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧ લાખ ૨૯ હજાર ૧૧૧ લોકો સાજા પણ થઇ ચૂક્‍યા છે. ૨૪ કલાકમાં ૧૭,૮૧૭ દર્દીઓને ડિસ્‍ચાર્જ કરવામાં આવ્‍યા છે. હાલમાં ૨,૧૪,૫૦૭ એક્‍ટિવ કેસો છે. દેશમાં અત્‍યાર સુધીમાં કુલ ૧,૫૧,૫૨૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે

 નોંધનીય છે કે, ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૨ જાન્‍યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૮,૩૪,૮૯,૧૧૪ કોરોના સેમ્‍પલનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૮,૩૬,૨૨૭ સેમ્‍પલનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે

 ગુજરાતમાં ફક્‍ત ૬૦૨ નવા કેસ નોંધાયા છે જયારે ૮૫૫ દર્દીઓ સાજા થયા છે. દરમિયાન ૨૪ કલાકમાં ૩ દર્દીનાં મોત થયા છે. ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૩૩, સુરતમાં ૧૨૨, વડોદરામાં ૧૧૦, રાજકોટમાં ૭૨, આણંદમાં ૧૨, ભરૂચમાં ૧૧ કેસ નોંધાયા છે.

(11:22 am IST)