Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

અમે ભરઉંઘમાં હતાં અને બચાવો-ભાગોની બૂમો સંભળાતાં અમે જીવ બચાવીને ભાગ્યા...પ્રાંસલા શિબીરમાં દાઝેલી-ઇજાગ્રસ્ત બે છાત્રાનું કથન

મોરબીના માણેકવાડાની ધોરણ-૯ની છાત્રા ખુશી ગોધવીયા (કડવા પટેલ) (ઉ.૧૪) હાથે-પગે દાઝીઃ કોટડા સાંગાણીના રાજપરાની ધો-૧૧ની છાત્રા દિક્ષીતા વીરડીયા (લેઉવા પટેલ) (ઉ.૧૬) ભાગવા જતાં પડી જતાં પગ મચકોડાયોઃ બંનેને રાજકોટ સિવિલમાં ખસેડાઇ : એક છાત્રા ગભરાઇ જતાં ગિરીરાજ હોસ્પિટલમાં સારવાર અપાઇ

સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલી રાજપરાની દિક્ષીતા વિરડીયા (પટેલ) અને માણેકવાડાની ખુશી ગોધવીયા (પટેલ) નજરે પડે છે. સાથે તેના વાલીઓ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા) 

રાજકોટ તા.૧૩: ઉપલેટાથી ત્રીસેક કિ.મી. દૂર આવેલા પ્રાંસલા ગામમાં ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબીરમાં ગત મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતાં તંબુઓમાં સુતેલા છાત્રા-છાત્રોમાં નાશભાગ મચી ગઇ હતી. આગમાં ત્રણ વિદ્યાર્થીની ઘટના સ્થળે જ ભડથું થઇ ગઇ હતી અને અનેક દાઝી ગઇ હતી તેમજ ભાગદોડમાં ઇજા થઇ હતી. આ દૂર્ઘટનામાં દાઝેલી એક તથા પડી જતાં ઇજા થયેલી બે છાત્રાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ બંનેએ જણાવ્યું હતું કે અમે તો ભરઉંઘમાં હતાં અને આગ ભભૂકતાં જીવ બચાવવા ભાગ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ મોરબીના માણેકવાડા ગામે રહેતી અને ત્યાંની સમજુબા વિદ્યાલયમાં ધોરણ-૯માં ભણતી ખુશી મુકેશભાઇ ગોધાવીયા (કડવા પટેલ) (ઉ.૧૪) ટેન્ટમાં આગ લાગતાં હાથે-પગે દાઝી જતાં સિવિલમાં ખસેડાઇ છે. તે એક ભાઇથી મોટી છે. તેના પિતા ખેતી કરે છે. તેની સાથે ૧૭ છોકરા અને બીજી ૮ છોકરીઓ તા. ૬ના રોજ શરૂ થયેલી પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબીરમાં જોડાયા હતાં. ખુશીએ કહ્યું હતું કે હું ઉંઘમાં હતી અને આગ લાગતાં બચાવો-બચાવો, ભાગો ભાગોની બૂમો સંભળાતા હું સફાળી જાગી ગઇ હતી અને ભાગી હતી. આમ છતાં આગની લપેટમાં આવી ગઇ હતી.

જ્યારે બીજી છાત્રા કોટડા સાંગાણીના રાજપરા ગામની દિક્ષીતા સંજયભાઇ વીરડીયા (લેઉવા પટેલ) (ઉ.૧૬) ભાગવા જતાં પડી જતાં પગ મચકોડાઇ જતાં રાજકોટ સિવિલમાં દાખલ થઇ છે. તે એક ભાઇથી નાની છે અને ગામમાં આવેલી દરબારસાહેબશ્રી ચંદ્રસિંહજી હાઈસ્કૂલમાં ધોરણ-૧૧માં ભણે છે. તેની શાળામાંથી કુલ ૮૦ છાત્રાઓ પ્રાંસલા શિબીરમાં આવી હતી. દિક્ષીતા કહેવા મુજબ પોતે અને બીજી છાત્રાઓ ટેન્ટમાં સુતી હતી ત્યારે આગ લાગતાં દેકારો થતાં બધા ભાગ્યા હતાં અને હું પણ ભાગવા જતાં પડી જતાં પગમાં ઇજા થઇ હતી. શિક્ષીકા વૈશાલીબેનના કહેવા મુજબ એક તંબુમાં આશરે ૧૨-૧૫ છાત્રાઓને સુવડાવવામાં આવી હતી. આગ શોર્ટ સરકિટથી લાગી કે અન્ય કોઇ રીતે? તેની અમને ખબર નથી.

જ્યારે ત્રીજી એક છાત્રા આ ઘટનાથી ગભરાઇ ગઇ હોઇ તેને ગિરીરાજ હોસ્પિટલમાં ખસેડાવામાં આવતાં બાટલા ચડાવી સારવાર શરૂ કરવામાં આવી છે. આ બાળાને કોઇ ઇજા થઇ નથી. તેમ જાણવા મળ્યું છે.

(12:58 pm IST)