Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા સલાહકાર અમિત ખરે હશે

સરકારી આદેશમાં નિમણૂંકની જાણકારી અપાઈ : ૧૯૮૫ બેચના આઈએએસ અધિકારી અમિત ખરે ૩૦ સપ્ટેમ્બરે ઉચ્ચ શિક્ષણ સચિવ પદેથી નિવૃત થયા હતા

નવી દિલ્હી, તા.૧૨ : માનવ સંસાધન અને સૂચના પ્રસારણ મંત્રાલયમાં સચિવ તરીકે પોતાની સેવા આપી ચુકેલા અમિત ખરેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સલાહકાર બનાવવામાં આવ્યા છે. ૧૯૮૫ બેચના આઈએએસ અધિકારી અમિત ખરે ૩૦ સપ્ટેમ્બરે ઉચ્ચ શિક્ષણ સચિવ પદેથી નિવૃત થયા હતા. એક સરકારી આદેશમાં તેમની નિમણૂંકની જાણકારી આપવામાં આવી છે.

સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે કેબિનેટની નિમણૂક સમિતિએ અમિત ખરેને પીએમ મોદીના સલાહકાર બનાવવાની મંજૂરી આપી છે. તેઓ પીએમઓમાં સલાહકાર તરીકે કામ કરશે. તેમનો રેક્ન અને સ્કેલ ભારત સરકારના કોઈ અન્ય સચિવ બરાબર હશે. તેમની આ નોકરી કોન્ટ્રાક્ટના આધાર પર હશે.

આ સિવાય પુનઃનિમણૂંકને લઈને સરકારના તમામ નિયમ તેમના પર લાગૂ થશે.  હાલ તેમની બે વર્ષ કે પછી આગામી આદેશ સુધી નિમણૂંક કરવામાં આવી છે. બાદમાં તેને વધારવામાં આવી શકે છે. અમિત ખરેને પીએમ મોદીના નજીકના અમલદારશાહોમાં સામેલ કરવામાં આવે છે. દેશમાં આ વર્ષે લાગૂ થયેલી નવી એજ્યુકેશન પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. આ સિવાય ડિજિટલ મીડિયાને લઈને નિયમ નક્કી કરવામાં પણ તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું.

હાલમાં કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રાલયે ડિજિટલ મીડિયાને લઈને નિયમાવલી જાહેર કરી હતી. આ વર્ષે પૂર્વ કેબિનેટ સચિવ પીકે સિન્હા અને સચિવ રહેલા અમરજીત સિન્હાએ પીએમઓ છોડ્યુ હતું. ત્યારબાદ અમિત ખરેની પીએમઓમાં એન્ટ્રી થઈ છે. પીકે સિન્હા અને અમરજીત સિન્હા પણ પીએમ નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે કામ કરી રહ્યા હતા.

અમિત ખરેને સ્પષ્ટ નિર્ણયો લેવા અને પારદર્શિતા સાથે કામ કરવા માટે ઓળખવામાં આવે છે. તેઓ કેટલાક સચિવોમાંથી એક છે, જેણે એક સાથે માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને સૂચના પ્રસારણ મંત્રાલયના કામકાજને સંભાળ્યું છે. તેનાથી સમજી શકાય કે પીએમ મોદી તેમના પર કેટલી હદે વિશ્વાસ કરે છે.

(7:32 pm IST)