Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

રોજના ૨૪ કિલોમીટર નેશનલ હાઇવેનું નિર્માણ

આત્મનિર્ભર ભારત યોજનાની કમાલ

નવી દિલ્હી, તા.૧૨: કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સપ્ટેમ્બર સુધીમાં ૩૮૨૪ કિમી લાંબા નેશનલ હાઇવેનું નિર્માણ કર્યુ છે. એટલે છેલ્લા છ મહિના દરમ્યાન રોજના ૨૧ કિલોમીટર રાજમાર્ગ બન્યા છે. જયારે સરકારે ગયા વર્ષે રોજના ૩૦ કિલોમીટર નેશનલ હાઇવે બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના એક સીનીયર અધિકારીએ જણાવ્યું કે ચોમાસાના કારણે રાજમાર્ગ બનાવવાનું કામ મંદ રહ્યું છે. ઓકટોબરથી માર્ચ દરમ્યાન દેશભરમાં રાજમાર્ગ બનાવવાનું કામ ઝડપી બનશે. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે આ સમયગાળામાં (એપ્રીલથી સપ્ટેમ્બર) સરકારે ૩૯૫૦ કિલોમીટરના હાઇવે બનાવ્યા હતા.

સડક પરિવહન મંત્રાલયના આત્મનિર્ભર ભારત યોજના હેઠળ લેવાયેલ નિર્ણયો કારગત સાબિત થયા છે. મંત્રાલયે જટીલ ટેન્ડર પ્રક્રિયાના નિયમોને લચીલા બનાવ્યા હતા. તેમાં દેશની નિર્માણ અને બિન નિર્માણ ક્ષેત્રની સ્વદેશી કંપનીઓ રોડ પરિયોજનાની ટેન્ડર પ્રક્રિયામાં ભાગીદારે માટે યોગ્ય બની ગઇ છે. તેમને હાઇવે પરિયોજનાઓના કોન્ટ્રાકટ મળવા લાગ્યા. એ ઉપરાંત કોન્ટ્રાકટરોને તથા નિર્માણ કંપનીઓને દર મહિને પેમેન્ટની વ્યવસ્થા ચાલુ કરાઇ તેનાથી હાઇવે ક્ષેત્રમાં નાણાંની અછત લગભગ ખતમ થઇ ગઇ છે અને નિર્માણ કાર્ય સુચારૂ રૂપે ચાલી રહ્યું છે.

(3:14 pm IST)