Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ભારતને પણ લાગવા માંડ્યું છે કે તેમની પાસે ઈઝરાયેલ જેવું જ સુરક્ષા કવચ છે અને તેઓ પણ ગમે તે કરી શકે છે

ઈઝરાયેલ અને ભારતની ગાઢ મિત્રતા પાકિસ્તાનને આંખમાં કણાની જેમ ખૂંચીઃ ઈમરાને એક ઇન્ટરવ્યુમાં આપ્યું મોટું નિવેદન : ઈઝરાયેલનો પ્રવાસ કર્યા બાદ જ પ્રધાનમંત્રી મોદીએ વર્ષ ૨૦૧૯માં કાશ્મીર અંગે આટલી મોટી નીતિ લાગુ કરીઃ ઈમરાન ખાન

નવી દિલ્હી, તા.૧૨: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ઈઝરાયેલ અને ભારતને ગાઢ મિત્ર ગણાવ્યા છે અને કહ્યું કે ઈઝરાયેલનો પ્રવાસ કર્યા બાદ જ પ્રધાનમંત્રી મોદીએ વર્ષ ૨૦૧૯માં કાશ્મીર અંગે આટલી મોટી નીતિ લાગુ કરી હતી. ઈમરાન ખાને મિડલ ઈસ્ટ આઈને આપેલા ઈન્ટરવ્યુમાં અફઘાનિસ્તાન, ભારત, ઈઝરાયેલ અને અમેરિકા સાથેના સંબંધો પર અનેક સવાલના જવાબ આપ્યા.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ઈન્ટરવ્યુમાં સવાલ કરવામાં આવ્યો કે પેલેસ્ટાઈન અને કાશ્મીરની સ્થિતિ હળતી મળતી છે.આવામાં ભારત અને ઈઝરાયેલની મિત્રતા કેટલી ખતરનાક છે? આ સવાલ પર ઈમરાન ખાને કહ્યું કે તેમાં કોઈ બેમત નથી કે ભારત-ઈઝરાયેલ ખુબ નીકટ છે. ઈઝરાયેલના પ્રવાસ બાદ જ ભારતના પ્રધાનમંત્રી મોદીએ કાશ્મીર અંગે આટલી મોટી અને કઠોર નીતિ લાગૂ કરી હતી.

ઈમરાન ખાને કહ્યું કે શું તેનો અર્થ એ કાઢી શકીએ કે તેમને તેનો ઈશારો ઈઝરાયેલ તરફથી મળ્યો હતો કારણ કે ઈઝરાયેલ પણ કઈક આવું જ કરે છે. તેમણે એક મજબૂત તંત્ર બનાવેલું છે અને તેઓ કોઈ પણ પ્રકારના વિરોધને કચડી રહ્યા છે. તેઓ પોતાના લોકોને મોકલીને ગમે તેને મારી નાખે છે અને તેમને પૂરી ઈમ્યુનિટી મળેલી છે. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ કઈ પણ નિવેદન આપે પણ તેમને ખબર છે કે અમેરિકા પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને તેમને બચાવી લેશે.

તેમણે કહ્યું કે ચીન વિરુદ્ધ અમેરિકાના ગઠબંધનનો ભાગ હોવાના કારણે હવે ભારતને પણ લાગવા માંડ્યું છે કે તેમની પાસે ઈઝરાયેલ જેવી જ ઈમ્યુનિટી (સુરક્ષા કવચ) છે અને તેઓ પણ ગમે તે કરી શકે છે. કાશ્મીરમાં હાલ માનવાધિકારોના લીરેલીરા ઉડાવવામાં આવી રહ્યા છે. આટલી ખરાબ સ્થિતિ પહેલા ક્યારેય નહતી. ઈઝરાયેલ પણ આવા જ જુલ્મ કરી રહ્યું છે પરંતુ જેટલી ખરાબ સ્થિતિ કાશ્મીરમાં છે તે બીજે ક્યાંય નથી.

(3:13 pm IST)