Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

કોરોના સામેના જંગમાં આવશે ઝડપ

હવે બાળકોને મળશે સુરક્ષાચક્ર : ૨ થી ૧૮ વર્ષનાને કોવેકસીન લગાવી શકાશે : DGCIએ આપી લીલીઝંડી

ભારત બાયોટેકે ૩ તબક્કે પૂરી કરી ટ્રાયલ : બાળકોને પણ મળશે બે ડોઝ : સરકાર ટુંક સમયમાં દિશાનિર્દેશ જારી કરશે

નવી દિલ્હી તા. ૧૨ : કોવેકસીન કોરોના રસી અંગે મોટા સમાચાર આવ્યા છે. હવે ૨ વર્ષથી ૧૮ વર્ષના બાળકોને કોવેકસીનની રસી મુકવામાં આવશે તે અંગેની મંજૂરી મળી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ભારત બાયોટેક અને આઇસીએમઆરએ સાથે મળીને કોવેકસીનનું નિર્માણ કર્યું છે તે ભારતીય કોરોના રસી છે. કોરોના વિરૂધ્ધ કોવેકસીન કલીનિકલ ટ્રાયલ્સમાં અંદાજે ૭૮ ટકા અસરદાર સાબિત થઇ હતી.

કોવેકસીન કોરોના રસીને બાળકો માટે મંજુરી મળવી એ રાહતના અહેવાલો છે. કારણ કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થશે એવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ જો તે પહેલા બાળકોને કોરોના રસી લગાવાનું શરૂ કરવામાં આવશે તો સંક્રમણ ઓછું ફેલાશે.

કોરોનાની ત્રીજી લહેરની આશંકાવ ચ્ચે બાળકો માટે કોરોના વેકસીનને મંજુરી મળી ગઇ છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ દેશમાં ૨થી ૧૮ વર્ષ માટે કોવેકસીનની કોરોના વેકસીનને મંજુરી આપવામાં આવી છે. સરકાર દ્વારા આ વેકસીન અંગેની ટુંક સમયમાં ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. બાળકોને કોવેકસીનના બંને ડોઝ આપવામાં આવશે.

અગાઉ જાયડસ કેડિલાની કોરોના વેકસીનને પણ ઇમરજન્સી ઉપયોગ માટે દવા નિયામક ડીસીજીઆઇ દ્વારા મંજુરી આપવામાં આવી હતી તે ૧૨ વર્ષના બાળકો, કિશોર વયના લોકોને લગાવામાં આવશે. ભારતમાં નિર્માણ થયેલી આ વિશ્વની પ્રથમ ડીએનએ બેસ્ડ વેકસીન હતી. દેશમાં હજુ કોવિશીલ્ડ, કોવેકસીન અને સ્પૂતનિક-વી રસી ફકત ૧૮ વર્ષથી વધુના લોકો માટે જ આપવામાં આવી રહી છે. તેના બે ડોઝ આપવામાં આવે છે. જ્યારે તેનાથી વિપરીત જાયકોવ-ડી ત્રણ ડોઝ વાળી રસી છે.

આ વર્ષે જુલાઇમાં સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશની બે કંપનીઓ બાળકોની વેકસીન બનાવાની દિશામાં કામ કરી રહી છે. તેઓએ જુલાઇમાં કહ્યું હતું કે, જાયડસ કેડિલા અને ભારત બાયોટેકનું નામ લીધું હતું. ડીસીજીઆઇની મંજુરી મળ્યા બાદ બાળકોને વેકસીન લગાવાની શરૂઆત એકથી બે મહીના બાદ જ થશે તેનું કારણ એ છે કે મોટા પાયે વેકસીનનું ઉત્પાદન કરવું પડશે.

વિશ્વના કેટલાક દેશોમાં બાળકોને વેકસીન લગાવામાં આવી રહી છે. યુરોપિયન યુનિયને જુલાઇ મહિનામાં જ મોડર્નાની વેકસીનને મંજુરી આપી દીધી હતી.

(3:09 pm IST)