Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

કાળા કોલસાનો કકળાટઃ એક ડઝન રાજ્યોમાં તોળાતુ વિજ સંકટ

અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ વડાપ્રધાનને પત્ર લખી દરમિયાનગીરી કરવા અને કોલસાનો પુરવઠો આપવા માંગણી કરી : દેશના અનેક કોલસા આધારીત થર્મલ પ્લાન્ટમાં કોલસાનો નહિવત જથ્થોઃ ૧૦ રાજ્યોમાં વિજળીની ભયંકર અછતઃ આજે પીએમઓ કરશે સમિક્ષા

નવી દિલ્હી, તા. ૧૨ :. કોલસાની અછતને કારણે દેશમાં વિજળીનું સંકટ ઉભુ થયુ છે. લગભગ એક ડઝન રાજ્યોમાં કોલસાની અછતને કારણે વિજળી એકમો બંધ થવાના આરે છે. જો વહેલાસર સ્થિતિ પર નિયંત્રણ નહિ આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તો બીજી તરફ કેન્દ્રએ કોલસાની અછતના દાવાને ફગાવી દીધો છે. ઉર્જા મંત્રાલયનું કહેવુ છે કે દેશમાં કોલસાની કોઈ અછત નથી.

દેશના અનેક રાજ્યોમાં કોલસાના અછતને કારણે વિજળીનું સંકટ વધારે ઘેરૂ બન્યુ છે. રાજ્યો પાસે કોલસાનો ઘણો ઓછો સ્ટોક બચ્યો છે. એવામાં થર્મલ પાવર પ્લાન્ટને કોલસાનો પુરવઠો પહોેંચાડવાનો એક મોટો પડકાર ઉભો થયો છે. રાજ્યોના મુખ્યમંત્રીઓએ પીએમને પત્ર લખી આ મામલામાં દરમિયાનગીરી કરવા અને તુરંત કોલસાનો પુરવઠો જારી કરવા અપીલ કરી છે. કેન્દ્ર સરકાર અને ઉર્જામંત્રીએ દેશમાં કોલસાની અછત નહિ હોવાનો દાવો કર્યો છે. કેન્દ્રના આ દાવા પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ કેન્દ્ર પર પ્રહાર કર્યો છે.

તેમણે સવાલ કર્યો છે કે જો દેશમાં કોલસાનો પુરતો જથ્થો છે તો દેશભરમાં વિજળી એકમો કેમ બંધ થઈ રહ્યા છે ? કોલસાની આયાત બંધ થવાથી વિજળી પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પણ પોતાના પત્રમાં લખ્યુ છે કે એક દિવસનો જ કોલસો બચ્યો છે. જો પુરવઠો નહિ મળે તો એકમો બંધ થઈ શકે છે. બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારે પણ સંભવિત કોલસાની અછતના મુદ્દે ચિંતા દર્શાવી છે. તેમણે કહ્યુ છે કે અનેક પ્લાન્ટ બંધ થવાની તૈયારીમાં છે.

પંજાબ, દિલ્હી અને આંધ્રના મુખ્યમંત્રીઓએ પણ મોદીને પત્ર લખી પુરવઠો આપવાની માંગણી કરી છે. કર્ણાટકના પાટનગર બેંગ્લોરના અનેક વિસ્તારોમાં ૮ થી ૧૦ કલાકોનો વિજકાપ ઝીંકાયો છે. દેશના ૧૧૫ જેટલા પ્લાન્ટમાં ૬ દિવસથી પણ ઓછો કોલસો બચ્યો છે. ૭૦ જેટલા પ્લાન્ટમાં ૪ દિવસથી પણ ઓછો કોલસો પડયો છે.

આજે પીએમઓ કોલસાની અછત અંગેની સ્થિતિની સમીક્ષા કરવાની છે.

(11:36 am IST)