Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

મગજથી માંડીને નખ સુધી થાય છે અસર

શરીરના અન્ય અંગોમાં દેખાય છે કોરોનાના નવા લક્ષણો

એક તૃત્યાંશ દર્દીઓના વાળ ખરી જાય છે

નવી દિલ્હી,તા. ૧૨:  કોરોના સંક્રમણના ૮૦ ટકા દર્દીઓમાં શરદી, ઉધરસ અને તાવ જેવા સામાન્ય લક્ષણો હવે નથી જોવા મળતા. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં જાણ્યુું છે કે હવે શરીરમાં દેખાતા લક્ષણો અન્ય મહત્વપૂર્ણ અંગો સાથે સંકળાયેલા છે. તેનાથી જાણી શકાય છે કે હવે વાયરસે કેટલું ખતરનાક રૂપ ધારણ કર્યું છે.

આ રિસર્ચરોનું કહેવું છે કે કોવિડ-૧૯ની અસર ભલે અલગ -અલગ દર્દીઓના શરીરમાં અલગ અલગ અંગો પર દેખાઇ રહી હોય પણ તેમાંથી બહુ ઓછા કેસ ગંભીર હોવાની શકયતા રહે છે. સંક્રમણના સૌથી વધુ જોખમવાળા બુઝુર્ગોમાં પણ આ લક્ષણોના કારણે હોસ્પિટલમાં ભરતી થવાની શકયતા ફકત દસમાંથી બે છે.

રિસર્ચરો અનુસાર દર્દીઓને સાજા થયા પછી પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેમનું એમ પણ કહેવું છે કે સાજા થયા પછી પણ લોકોના જીવનની ગુણવતા અને કાર્યક્ષમતામાં ઘટાડો આવી શકે છે.

રિસર્ચરોને આ રિસર્ચ દરમ્યાન જાણવા મળ્યું કે કોવિડ-૧૯ના કારણે એક તૃત્યાંસ દર્દીઓના વાળ ખરી જાય છે. તો ૧૦૦ દર્દીઓમાંથી છ ના મગજને અસર થાય છે. જ્યારે ૨૫ દર્દીઓમાંથી એક દર્દીની આંખોની રોશની ઘટી જાય છે. હવે કોરોનાની અસર ફકત શ્વાસની તકલીફ જેવા લક્ષણો પુરતી જ નથી રહી. ૮૦ ટકા દર્દીઓના મગજ, હૃદય, ફેફસા, સાંધા, આંખોની રોશની, શ્રવણ શકિત, ચેતના ચામડી, સુંઘવા અને સ્વાદની ક્ષમતા અને આંગળી ઓના નખ પર પણ તેની અસર જોવા મળે છે.

કોરોનામાંથી સાજા થયાના કેટલાય મહિના પછી પણ જો તે વ્યકિત લાંબો સમય બેસીને કામ કરે તો તેનો શ્વાસ ત્રણ ગણી ઝડપે ચાલવાનું જોખમ ઉભુ થશે. જેમાં તેનું મોત પણ થઇ શકે છે.

(12:53 pm IST)