Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

કોરોના ઈફેક્ટ :સ્વતંત્રતા દિવસ પૂર્વે કેન્દ્ર સરકારે આપી રાજ્યોના લોકોને ભીડથી દૂર રહેવાની સલાહ

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ભીડભાડવાળા કાર્યક્રમો ટાળવા જણાવ્યું : લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને હાથને નિયમિતપણે સેનિટાઇઝ કરતા રહેવાની પણ અપીલ કરી

નવી દિલ્હી ;દેશભરમાં કોરોનાના કેસોમાં વધારાના વલણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ફરી એકવાર રાજ્યોને ભીડથી દૂર રહેવાની સલાહ આપી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ભીડભાડવાળા કાર્યક્રમો ટાળવા જણાવ્યું છે. આ ઉપરાંત સરકારે લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને હાથને નિયમિતપણે સેનિટાઇઝ કરતા રહેવાની પણ અપીલ કરી છે જેથી ચેપથી બચી શકાય. દિલ્હી સહિત ઘણા રાજ્યોએ કોરોના સામે લડવા માટે કેટલાક નિયંત્રણો ફરીથી લાગુ કરવાનું શરૂ કરી દીધું છે.

આ અઠવાડિયે દિલ્હી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે હવે ફરીથી માસ્ક પહેરવું ફરજિયાત બનશે અને આમ નહીં કરવા પર 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો કે, કારમાં મુસાફરી કરનારાઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. શુક્રવારે સવારે, છેલ્લા એક દિવસમાં કોરોનાના 16,561 નવા કેસ નોંધાયા હતા અને હાલમાં દેશમાં સકારાત્મકતા દર 5.44 ટકા પર પહોંચી ગયો છે. જે રાજ્યોમાં કોરોનાના કેસ વધુ જોવા મળી રહ્યા છે તેમાં દિલ્હી, કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. ખાસ કરીને દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.

(9:26 pm IST)