Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

કેનેડા ચાલુ વર્ષે ૪.૩૦ લાખ લોકોને પર્મેનન્ટ રેસિડન્સી આપવા તૈયાર

કેનેડામાં એક્પ્રેસ એન્ટ્રી ઈચ્છનારા માટે સારા સમાચાર કેનેડાના દરેક પ્રોવિન્સમાં પ્રોફેશનલ, સાયન્સ અને ટેકનિકલ સેક્ટરને લગતી જોબમાં વધારો થયો છે

ટોરેન્ટો, તા.૧૨ ઃ કેનેડામાં એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા રોજગારી અને પીઆરઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. કોવિડ પછી કેનેડાનું અર્થતંત્ર ખુલી ગયું છે અને પૂરજોશમાં ગ્રોથ કરી રહ્યું છે તેના કારણે ઘણા સેક્ટર એવા છે જેમાં લાખો લોકોની જરૃર છે. ચાલુ વર્ષમાં કેનેડા ૪.૩૦ લાખ લોકોને પર્મેનન્ટ રેસિડન્સી આપવા માટે તૈયાર છે અને ભારત સહિતના દેશોના ઈમિગ્રન્ટ્સ માટે તક પેદા થઈ છે. એક અંદાજ પ્રમાણે અત્યારે કેનેડામાં ૧૦ લાખ જોબ પેદા થઈ છે. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે કેનેડામાં જોબની વધતી જતી સંખ્યા, બેરોજગારીનો નીચો દર અને કામદારોની અછત છે. ચાલુ વર્ષમાં ૪.૩૦ લાખ લોકો અને ૨૦૨૪માં ૪.૫૦ લાખ લોકોને પીઆર આપવામાં આવે તેવી શક્યતા છે.

એમ્પ્લોયમેન્ટ સરવે પ્રમાણે ઓન્ટારિયોમાં હાલમાં ૩૦ હજાર જોબ છે જ્યારે મેનિટોબામાં ૨૫૦૦ વેકેન્સી છે. તેના કારણે કેનેડામાં એમ્પ્લોયર તરફથી પે બેનિફિટ મેળવતા લોકોની સંખ્યામાં પહેલી વખત ઘટાડો થયો છે.

કેનેડામાં જોબની શોધ કરતા હોવ તો તમારે એવા સેક્ટર શોધવા પડશે જેમાં લોકોની તીવ્ર ડિમાન્ડ હોય. હાલમાં એજ્યુકેશનલ સર્વિસ, હેલ્થકેર અને સોશિયલ આસિસ્ટન્સમાં સૌથી વધુ જોબ છે. આ ક્ષેત્રમાં ૧૭,૦૦૦ જોબ નોંધાઈ છે. બીજી તરફ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં જોબ ઘટી છે. મે મહિનામાં કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ૧૭,૫૦૦ જોબ ઘટી હતી. ઓન્ટારિયોમાં રિટેલ ટ્રેડ સેક્ટરમાં રોજગારીમાં સૌથી વધુ ઘટાડો થયો હતો.

કેનેડાના દરેક પ્રોવિન્સમાં પ્રોફેશનલ, સાયન્સ અને ટેકનિકલ સેક્ટરને લગતી જોબમાં વધારો થયો છે. ખાસ કરીને કમ્પ્યુટર સિસ્ટમ ડિઝાઈન અને બીજી જોબમાં માણસોની જરૃર છે. હેલ્થકેર અને સોશિયલ સર્વિસ

સેક્ટરમાં પણ જોબની સંખ્યા વધીને ૧.૪૩ લાખ થઈ છે. એપ્રિલ અને મહિના કરતા અત્યારે હેલ્થકેર સેક્ટરમાં વધુ જગ્યાઓ ખાલી છે. ફૂડ સેક્ટરમાં પણ ૧.૬૧ લાખ જોબ વેકેન્સી પેદા થઈ છે.

કેનેડાની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ તેના દરેક પ્રોગ્રામ માટે એક બેઝલાઈન સમાન છે અને કેનેડામાં વસવાટ માટે અરજી કરવા માંગતા દરેક ઉમેદવારે તેનું પાલન કરવું પડે છે. ઉમેદવારે પોતાની લાયકાતના ધોરણોને ચેક કરીને ત્યાર પછી આઈઆરસીસીની વેબસાઈટ પર પોતાની પ્રોફાઈલ અપલોડ કરવાની હોય છે. ત્યાર પછી સીઆરએસનો ઉપયોગ કરીને એક સ્કોર મેળવવામાં આવે છે. તેમાં વ્યક્તિના વ્યવસાય, અનુભવના વર્ષ, શિક્ષણ અને ભાષાના કૌશલ્યના આધારે પસંદ કરવામાં આવે છે. વિદેશમાં અભ્યાસ માટે કે કાયમી વસવાટ કરવા જવા માંગતા લોકોમાં કેનેડા એક મનપસંદ દેશ તરીકે ઉભરી આવ્યો છે. એક્સપ્રેસ એન્ટ્રીહેઠળ કેનેડામાં કાયમી વસવાટ કરવાનું કામ કોવિડના કારણે ઠપ થઈ ગયું હતું, પરંતુ ૬ જુલાઈથી કેનેડાએ ફરી અરજીઓ મગાવવાનું શરૃ કર્યું છે.

(7:42 pm IST)