Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

જમ્‍મુ-કાશ્‍મીર : બાંદીપોરામાં આતંકવાદીઓએ બિહારી યુવકને ગોળી મારીને કરી હત્‍યા

ફરી એક વખત બિન-કાશ્‍મીરીઓને ગોળી મારવાની ઘટના સામે આવી

શ્રીનગર તા. ૧૨ : ઘાટીમાં ફરી એક વખત બિન-કાશ્‍મીરીઓને ગોળી મારવાની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ શુક્રવારે વહેલી સવારે અહીંના બાંદીપોરામાં આ ઘટનાને અંજામ આપ્‍યો હતો. પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ છે. આ સાથે આતંકીઓની શોધમાં ઘેરાબંધી કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, આ ઘટના બાંદીપોરા જિલ્લાના તહસીલ અજસના સાદુનારા ગામમાં બની હતી. મજૂર બિહારનો રહેવાસી હતો. તેની ઓળખ મોહમ્‍મદ અમરેજ (૧૯ વર્ષ) તરીકે થઈ હતી. અમરેજ મધેપુરા જિલ્લાના બેસદ ગામનો રહેવાસી હતો. તેમના પિતાનું નામ મોહમ્‍મદ જલીલ છે.

અમરેજ અહીં કામ અર્થે આવ્‍યો હતો. તેના વિશે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. જમ્‍મુ-કાશ્‍મીર પોલીસે કહ્યું કે આ મધરાતની ઘટના છે. બાંદીપોરાના સોડનારા સુમ્‍બલમાં આતંકવાદીઓએ મજૂર પર ગોળીબાર કરીને તેને ઘાયલ કર્યો હતો. તેને સારવાર માટે હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો, જયાં તેનું મોત નીપજયું હતું.

ઘાટીમાં બિન-કાશ્‍મીરીઓની હત્‍યાઓ અટકી રહી નથી. એપ્રિલમાં, દક્ષિણ કાશ્‍મીરના કુલગામ જિલ્લાના કાકરાન વિસ્‍તારમાં આતંકવાદીઓ દ્વારા એક વ્‍યક્‍તિની ગોળી મારીને હત્‍યા કરવામાં આવી હતી. વ્‍યક્‍તિની ઓળખ સતીશ સિંહ રાજપૂત તરીકે થઈ છે. આતંકવાદી સંગઠને બિન-સ્‍થાનિકોને ઘાટી છોડવાની ચેતવણી આપી છે. કાશ્‍મીરી પંડિતોને ખીણ છોડવાની આ ચેતવણી આપવામાં આવી છે.

(10:43 am IST)