Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ટોપ ૫ મંત્રીઓમાં શાહ ત્રીજા નંબરે : ગડકરી ટોપ પર

સી વોટર સર્વેમાં થયો મોટો ખુલાસો

નવી દિલ્‍હી,તા. ૧૨: દેશમાં વધતી મોંઘવારીને લઈને વિપક્ષ મોદી સરકાર પર માછલા ધોઈ રહ્યું છે. ત્‍યારે હવે તાજેતરમાં એક ચેનલ દ્વારા સી વોટર સર્વે હાથ ધરવામાં આવ્‍યો હતો. આ સર્વેમાં દેશમાં ઓલટાઈમ ટોપ ૫ પ્રધાનમંત્રીઓથી લઈને જનતાનો મત માગવામાં આવ્‍યો હતો. જેમાં પ્રધાનમંત્રી મોદી ૪૪.૫ ટકા વોટ સાથે ટોપ પર રહ્યા હતા. તો વળી આ સર્વેમાં મોદી સરકારના ટોપ ૫ મંત્રીઓને લઈને પણ જનતાનો મત માગવામાં આવ્‍યો હતો. જેમાં મોદી સરકારના મંત્રીઓમાં નીતિન ગડકરી ટોપ પર રહ્યા હતા.

નીતિન ગડકરીઃ મોદી સરકારમાં દેશની જનતા ક્‍યા મંત્રીઓને સૌથી વધારે માને છે આ વાતનો ખુલાસો સર્વેમાં થયો છે. આ સર્વેથી જાણવા મળે છે કે, કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિન ગડકરી ૨૨ ટકા વોટ સાથે સર્વેમાં ટોપ પર રહ્યા છે.

રાજનાથ સિંહઃ મોદી સરકારના મંત્રાલયમાં આ સર્વેએ નીતિન ગડકરીને ટોચનું સ્‍થાન આપ્‍યું છે, તો વળી બીજા નંબર પર કેન્‍દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ આ લિસ્‍ટમાં ૨૦ ટકા વોટ સાથે બીજા નંબર પર છે. રાજનાથ સિંહે રક્ષામંત્રાલયના નેતૃત્‍વ કરતા દેશના માટે કેટલાય ઉપયોગી હથિયારોની ખરીદી કરી અને ભારતીય સેનાની તાકાતમાં ખૂબ વધારો કર્યો છે.

અમિત શાહઃ તો વળી મોદી સરકારના મંત્રાલયમાં ત્રીજા નંબર પર ૧૭ ટકા વોટ સાથે ગૃહમંત્રી અમિત શાહ છે. અમિત શાહે ગૃહમંત્રાલયની જવાબદારી સંભાળ્‍યાની સાથે દેશ માટે કેટલાય ઐતિહાસિક નિર્ણયો લીધા. અમિત શાહના નેતૃત્‍વમાં કેન્‍દ્રની નરેન્‍દ્રભાઇ મોદી સરકારે આર્ટિકલ ૩૭૦ અને ૩૫ એ, રામમંદિર નિર્માણ, ત્રિપલ તલ્લાક જેવા ઐતિહાસિક નિર્ણયો લેવાયા. આ ઉપરાંત અમિત શાહે પોતાના કુશળ નેતૃત્‍વના બળ પર દેશમાં થઈ રહેલી ચૂંટણી પર સંગઠનને આગળ લાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવી. અમિત શાહને ભાજપના ચાણક્‍ય કહેવાય છે.

એસ જયશંકરઃ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરને આ લિસ્‍ટમાં ચોથા નંબર પર રાખવામાં આવ્‍યા છે. આ સર્વેમાં એસ. જયશંકરને દેશની જનતાએ ૫ ટકા વોટ સાથે ચોથા નંબર પર જગ્‍યા આપી છે. એસ. જયશંકર મોદી સરકારમાં વર્ષ ૨૦૧૯ના કાર્યકાળમાં જોડાયા. આ અગાઉ તેઓ વિદેશ સચિવ હતા. સુષ્‍મા સ્‍વરાજના નિધન બાદ ૨૦૧૯માં વિદેશ મંત્રાલયની કમાન તેમને સોંપવામાં આવી. એસ. જયશંકરે પોતાના કામને બખૂબી નિભાવ્‍યું છે અને મોદીમાં પહેલા એવા મંત્રી છે, જેમણે ચૂંટણી નથી લડી.

સ્‍મૃતિ ઈરાનીઃ સી વોટર સર્વેમાં સ્‍મૃતિ ઈરાનીને જનતાએ ૫ ટકા વોટ આપ્‍યા છે, તેની સાથે જ તેઓ આ લિસ્‍ટમાં પાંચમા નંબર પર રહ્યા છે. સ્‍મૃતિ ઈરાનીને અલ્‍પસંખ્‍યક કાર્ય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્‍તાર અબ્‍બાસ નકવીના રાજીનામા બાદ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ઉપરાંત તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ અગાઓઉ પણ કેટલાય મહત્‍વના મંત્રાલયની જવાબદારી સંભાળી ચુક્‍યા છે, જેમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય, માહિતી અને પ્રસારણ ખાતું અને ટેક્‍સટાઈલ મંત્રાલયની જવાબદારી સંભાળી ચુક્‍યા છે.

(10:38 am IST)