Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ટીમ ઇન્ડિયાની મક્કમ શરૂઆત :પ્રથમ દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 3 વિકેટે 276 રન: રાહુલની શાનદાર સદી

રોહિત શર્માએ ઝંઝાવાતી 83 રન ફટકાર્યા : એક,એલ રાહુલએ રોહિત અને વિરાટ કોહલી બંને સાથે શતકીય ભાગીદારી નોંધાવી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ઐતિહાસીક લોર્ડઝના મેદાન પર ટેસ્ટ મેચ શરુ છે. પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ભારતને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમે ટોસ ગુમાવીને બેટીંગ માટે ઉતરતા શાનદાર શરુઆત કરી હતી. કેએલ રાહુલે શાનદાર શતક લગાવ્યુ હતુ, જ્યારે રોહિત શર્માએ અર્ધશતક લગાવ્યુ હતુ. ભારતે પ્રથમ દિવસના અંતે 3 વિકેટે 276 રનનો સ્કોર કર્યો હતો.

લોર્ડઝમાં પણ વરસાદે શરુઆતમાં જ પધરામણી કરી હતી. ટોસ ઉછળવા ટાણે જ વરસાદને લઇને ટોસ મોડો ઉછાળવામાં આવ્યો હતો. જ્યારે મેચ 3.45 કલાકે ભારતીય સમયાનુસાર શરુ થઇ શકી હતી. જોકે પ્રથમ બોલ નાંખવાની શરુઆતે જ વરસાદ શરુ થતા મેચ શરુ થતા પહેલા જ રોકી દેવાઇ હતી. રમત શરુ થયા બાદ ફરી એકવાર વરસાદ વરસતા લંચ બ્રેક સમય થી વહેલા લેવામાં આવ્યો હતો.

ટોસ હારીને પ્રથમ બેટીંગની શરુઆત કરતા ભારતીય ઓપનરોએ મક્કમતાપૂર્ણ રમતની શરુઆત કરી હતી. કેએલ રાહુલે જબરદસ્ત ઇનીંગ રમી હતી. લોર્ડઝમાં ત્રીજો ભારતીય ઓપનર નોંધાયો હતો, કે જેણે શતક લગાવ્યુ હતુ. રાહુલએ રોહિત અને વિરાટ કોહલી બંને સાથે શતકીય ભાગીદારી રમત નોંધાવી હતી.

રોહિત શર્માએ ચોગ્ગા પર ચોગ્ગા લગાવતી બેટીંગ કરી હતી. તેણે 83 રનની રમત દરમ્યાન 11 ચોગ્ગા લગાવ્યા હતા. જ્યારે 1 સિક્સર લગાવી હતી. રોહિત શર્માએ શાનદાર રમત રમીને શતક નજીક પહોંચીને પેવેલિયન પરત ફર્યો હતો. કેએલ રાહુલ એ રોહિત શર્માના પેવેલિયન પરત ફરવા બાદ પોતાનુ બેટ ખોલ્યુ હતુ. તેણે સ્ટંપ્સ સુધીમાં 127 રન કર્યા હતા.

ચેતેશ્વર પુજારા ફરી એકવાર નિષ્ફળ નિવડ્યો હતો. તેણે 9 રનની ઇનીંગ રમી હતી. પુજારા એ 1 ચોગ્ગો લગાવ્યો હતો. જેમ્સ એન્ડરસના બોલ પર તે સ્લીપમાં કેચ આપી બેઠો હતો. વિરાટ કોહલીએ 103 બોલમાં 43 રનની રમત રમી હતી. કોહલી સેટ થયા બાદ આઉટ થતા તે પોતાની થી નિરાશ થયો હતો. અજીંક્ય રહાણે 22 બોલ ની રમત રમી 1 રન સાથે રમતમાં હતો.

ભારતીય બેટ્સમેનોને ઝડપ થી પેવેલિયન મોકલવાની યોજનાનુસાર ટોસ જીતીને, પ્રથમ બોલીંગ ઇંગ્લેન્ડે પસંદ કરી હતી. પરંતુ પ્રથમ દિવસની રમતમાં તેમની યોજના સફળ નિવડી શકી નહોતી. ઇંગ્લીશ બોલરો એક બાદ એક બદલાતા ગયા હતા, પરંતુ આમ છતાં પ્રથમ સેશનમાં સફળતા મળી નહોતી. બીજા સેશનમાં એન્ડરસને રોહિત શર્મા અને બાદમાં ચેતેશ્વર પુજારાની વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી.

(12:23 am IST)