Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

પાકિસ્તાન નૌસેનાની પરિસ્થિતિ ખરાબ, બે સબમરીન સક્રિય

ભારતને પડકારનાં બણગાં ફૂંકતા પાક.ની સ્થિતિ ખરાબ : આગામી વર્ષ સુધી આવી જ સ્થિતિ રહેવાની સંભાવના, યુધ્ધ જહાજોને લઈને પણ પાકિસ્તાનમાં મુશ્કેલી

 

નવી દિલ્હી, તા.૧૨ : ભારતને પડકાર આપવા માટે તૈયારી કરી રહેલા પાકિસ્તાનની નૌસેનાની સ્થિતિ હાલ સારી નથી જણાઈ રહી. તકનીકી મુશ્કેલીઓ અને મિડલાઈફ રીફિટના કારણે હાલ પાકિસ્તાનની માત્ર ૨ સબમરીન જ કામ કરી રહી છે. મતલબ કે, હાલ સમુદ્રી વિસ્તારોમાં માત્ર ૨ સબમરીન જ સક્રિય છે.

પાકિસ્તાનની ૫ પૈકીની ૩ અગોસ્તા ક્લાસની સબમરીનને હાલ અપગ્રેડ કરવામાં આવી રહી છે અથવા તો તેમાં કોઈ ટેક્નિકલ સમસ્યા છે.

આ કારણે તે સબમરીન હાલ સમુદ્રમાં નથી ઉતરી શકતી. આગામી વર્ષના મધ્ય સુધીમાં પાકિસ્તાને ફક્ત ૨ સબમરીન વડે જ કામ ચલાવવું પડશે.

પાકિસ્તાને આગામી વર્ષના મધ્ય ગાળા સુધી માત્ર ૨ જ સબમરીન અગોસ્તા ૯૦-બી અને અગોસ્તા-૭૦ વડે જ મોરચો સંભાળવો પડશે. જાણવા મળ્યા મુજબ પાકિસ્તાનની અગોસ્તા ૭૦ ક્લાસની સબમરીન પીએનએસ હુરમતના એન્જિનમાં સમસ્યા છે તથા તેની ઈલેક્ટ્રોનિક વોરફેર સપોર્ટ સિસ્ટમમાં પણ સમસ્યા છે. આ કારણે તે સબમરીન હાલ કામ કરવાની સ્થિતિમાં નથી.

પાકિસ્તાનની સબમરીનો જ નહીં, યુદ્ધ જહાજો પણ સંકટ સામે ઝઝુમી રહ્યા છે. પાકિસ્તાની યુદ્ધ જહાજ પીએનએસ ખૈબર એક ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે અને તેમાં ખૂબ જ અવાજ આવી રહ્યો છે.

ચીન દ્વારા બનાવવામાં આવેલા અન્ય ૨ યુદ્ધ જહાજો પીએનએસ સૈફ અને પીએનએસ જુલ્ફિકારની એર ડિફેન્સ ક્ષમતા બહુ જ સીમિત છે. પીએનએસ જુર્રતના ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમમાં મુશ્કેલી છે.

ચીન દ્વારા જ બનાવવામાં આવેલી એફએમ-૯૦ સપાટી પરથી હવામાં માર કરી શકે તેવી મિસાઈલ હાલ કામ નથી કરી રહી. જુલ્ફિકારમાં પણ રડારની સમસ્યા છે.

(7:53 pm IST)