Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સેન્સેક્સ ૩૧૮, નિફ્ટી ૮૨ પોઈન્ટના ઊછાળા સાથે બંધ

ફુગાવાની ચિંતા હળવી થતા બજારને લાભ થયો : પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, એલએન્ડટી, એનટીપીસીના શેરોમાં ૬.૦૫ ટકા સુધી વધારો જોવાયો

 

મુંબઈ, તા.૧૨ : સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગુરુવારે દિવસભરના ઉતાર-ચડાવ બાદ શેરબજાર લીલા નિશાન પર બંધ થયું. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૧૮.૦૫ પોઈન્ટ્સની તેજી સાથે ૫૪,૮૪૩.૯૮ના નવા રેકોર્ડ સ્તર પર બંધ થયો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ પણ ૮૨.૧૫ પોઈન્ટ્સની તેજી સાથે ૧૬,૩૬૪.૪૦નો નવો હાઈ બનાવ્યો. આ સેન્સેક્સ-નિફ્ટી બંધ થવાનું ઉચ્ચતમ સ્તર છે. ગત સપ્તાહમાં સેન્સેક્સ ૧,૬૯૦.૮૮ પોઈન્ટ્સ એટલે કે ૩.૨૧ ટકાના લાભમાં રહ્યો હતો. આજે નિફ્ટીમાં સતત ચોથા દિવસે ઉછાળો નોંધાયો છે.

આજે બીએસઈમાં પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, એલએન્ડટી, ટાઈટન, એનટીપીસી અને આઈસીઆઈસી બેંકના શેરોમાં ૬.૦૫ ટકા સુધીના વધારો જોવા મળ્યો. જ્યારે ડો. રેડ્ડી, એમએન્ડએમ, ઈન્ડુસલેન્ડ બેંક, એક્સિસ બેંક અને મારુતિ મોટા લૂઝર રહ્યા. તેમાં ૦.૭૭ ટકાનો ઘટાડો નોંધાયો.

એનએસઈમાં મીડિયા, આઈટી, રિટલ્ટી, પીએસયુ અને બેક્નિંગ શેર્સમાં ૨.૨૮ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો. તજજ્ઞોના કહેવા મુજબ, વોલ સ્ટ્રીટમાં મજબૂતી અને ફુગાવાની ચિંતા હળવી થતા ડોમેસ્ટિક માર્કેટને ફાયદો થયો, જોકે, નબળા એશિયન સ્ટોક્સે વધારાને માર્યાદિત કરી દીધો.વૈશ્વિક બજારોની વાત કરીએ તો અમેરિકાનો ડાઉ જેન્સ ૦.૬૨ ટકા વધીને ૩૫,૪૮૫ પર બંધ થયો. નેસ્ડેક ૦.૧૬ ટકાના ઘટાડા સાથે ૧૪,૭૬૫ અને એસ એન્ડ પી ૫૦૦ના સામાન્ય વધારા સાથે ૪,૪૪૭ પર બંધ થયો.

(7:47 pm IST)