Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

બ્રિટને નવી દિલ્હીને રેડ ઝોનમાંથી મુક્ત કરતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુઃ બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખી કોવિડ-૧૯ યાત્રા સંબંધીત પ્રતિબંધોમાં ભેદભાવ રખાયાની ફરિયાદ કરી

બ્રિટન સરકારના નિર્ણયથી પાકિસ્તાન ઍટલા માટે પરેશાન છે કે ત્યાંના ઍક મોટા સમુદાયનો પાકિસ્તાન સાથે ઉંડો ઘરોબો છેઃ તે અવારનવાર પાકિસ્તાનના પ્રવાસે આવે છે

 

ઇસ્લામાબાદઃ બ્રિટન સરકાર દ્વારા ભારત પર લેવાયેલા એક નિર્ણયને પગલે પાકિસ્તાનની સરકાર ભડકી છે. ભડકેલા પાકિસ્તાને બ્રિટનને પત્ર લખીને ભેદભાવનો આરોપ લગાવ્યો છે.

ખરેખર, બ્રિટન સરકારે ભારત સાથેની યાત્રાના પ્રતિબંધને હટાવી તેને રેડ યાદીમાંથી કાઢીને એમ્બર યાદીમાં મુકી દીધુ છે. જ્યારે પાકિસ્તાનને રેડ યાદીમાં યથાવત રાખ્યું છે. વાતને લઈને ઈમરાન સરકાર ભડકી ઉઠી છે.

સર્વોચ્ચ અધિકારીએ લખ્યો પત્ર

પાકિસ્તાનના એક સર્વોચ્ચ સ્વાસ્થ્ય અધિકારીએ બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખીને કોવિડ-19ની યાત્રા સંબંધી પ્રતિબંધોમાં ભેદભાવની ફરિયાદ કરી છે. પાકિસ્તાનને એપ્રિલ મહિનાની શરૂઆતમાં અને ભારતને 19 એપ્રિલે રેડ યાદીમાં મુકવામાં આવ્યું હતું. ઈસ્લામાબાદના વિપરીત નવી દિલ્હીને અમુક અન્ય દેશોની સાથે 5 ઓગષ્ટે રેડ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. જેનાથી પાકિસ્તાન હચમચી ગયુ છે.

શું છે Amber List?

બ્રિટનના પરિવહન મંત્રી ગ્રાન્ટ શખ્સે તાજેતરમાં ટ્વિટ કરી જણાવ્યું હતું કે, યુએઈ, કતાર, ભારત અને બહેરીનને રેડ યાદીમાંથી કાઢીને એમ્બર યાદીમાં મુકી દેવામાં આવ્યું છે. બધા ફેરફાર આઠ ઓગષ્ટથી સવારે 4 વાગ્યાથી અમલમાં આવશે. બ્રિટનના કાયદા હેઠળ એમ્બર યાદીમાં સામેલ દેશોના પ્રવાસીઓએ બહાર જવાના ત્રણ દિવસ પહેલાં કોવિડ-19ને સંબંધિત તપાસ કરાવવી પડશે.  ઉપરાંત બ્રિટન જતા પહેલાં કોરોનાની બે તપાસ માટેનું બુકિંગ કરાવવુ પડશે. ત્યારબાદ ત્યાં પહોંચ્યા બાદ પેસેન્જર લોકેટર ફાર્મ ભરવુ પડશે. જ્યારે પ્રવાસીને 10 દિવસ માટે ઘરમાં અથવા કોઈ અન્ય સ્થળે ક્વોરોન્ટાઈન રહેવુ પડશે.

પાકિસ્તાનનું ભડકવાનું છે કારણ

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન બ્રિટન સરકારના નિર્ણયથી એટલા માટે પરેશાન છે, કારણકે બ્રિટનમાં રહેતા એક મોટા સમુદાયનો પાકિસ્તાન સાથે ઊંડો ઘરોબો છે અને તેઓ અવારનવાર પાકિસ્તાનમાં પોતાના સંબંધીઓને મળવા માટે પ્રવાસ કરે છે.

(5:58 pm IST)