Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

જો અમે બીલ પસાર કરવાનો પ્રયાસ કરીશુ તો પરિસ્થિતિ વધુ વિકટ બની જશે : કેન્દ્રીય મંત્રીનો દાવો : વિપક્ષે અમને ધમકી દીધી'તી

વિપક્ષના આરોપનો જવાબ આપવા એક સાથે ૮ મંત્રીઓની પત્રકાર પરિષદ

નવી દિલ્હી : વિપક્ષના આરોપનો જવાબ આપવા ૮  કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મેઘવાલ, ભુપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, પીયુષ ગોયેલ, મુખ્તાર અબ્બાસ નકવી, પ્રહલાદ જોશી, અનુરાગ ઠાકુર અને વી. મુરલીધરને પ્રેસ કોન્ફરન્સ કરીને વિપક્ષને આકરા જવાબ આપ્યા.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ દાવો કર્યો હતો કે વિપક્ષે અમને ધમકી આપી હતી કે જો અમે બિલ પસાર કરવાનો પ્રયાસ કરીશું તો પરિસ્થિતિ વધુ વિકટ બની જશે.

વિપક્ષના સભ્યોએ કાચ તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો. એક મહિલા ઘાયલ થઈ હતી. તેઓએ લેખિતમાં ફરિયાદ આપી છે કે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. ટેબલ ઉપર ચીને હંગામો કર્યો. કોઈ બિલ પસાર થઈ રહ્યું નથી, માત્ર ચર્ચા ચાલી રહી હતી. વિનંતી કરવા છતાં તેઓ સહમત ન થયા.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સંસદને કામ ન કરવા દેવાનો નિર્ણય પૂર્વ આયોજિત હતો. તેમણે કહ્યું કે ઘટનાઓ જે ક્રમમાં બની તે દૃશ્યથી સ્પષ્ટ છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે દેશના લોકો પ્રતિક્ષા કરી રહ્યાં છે તેમની સાથે જોડાયેલા મુદ્દાઓને સંસદમાં ઉઠાવવામાં આવે ત્યારે વિપક્ષે સડકથી માંડીને સંસદ સુધીનો એજન્ડા ખુલ્લો પડ્યો છે. વિપક્ષે ફકત અરાજકતા ફેલાવી છે.

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયેલે જણાવ્યું કે રાજ્યસભામાં વિપક્ષનો જે વ્યવહાર રહ્યો છે તેનાથી ગૃહની ગરીમા ઘટી છે. ચેરમેનની સામે ખોટાખોટા આરોપ લગાવીને પદની ગરિમા ઘટાડવામાં આવી. વિપક્ષોએ શરમજનક પ્રદર્શન કર્યું. વિપક્ષની ઈચ્છા શરુઆતથી સ્પસ્ટ બની છે. સંસદમાં ન બોલવા દેવાના રાહુલ ગાંધીનો આરોપનો જવાબ આપતા પીયુષ ગોયેલે જણાવ્યું કે તો પછી સંસદ કેવી રીતા ચાલ્યું. કોવિડ પર ચર્ચા કેવી રીતે થઈ. હંગામો તેઓ કરે, ખુરશીઓ તેઓ ઉછાળે, પેપર તેઓ ફાડે અને આરોપ અમારી પર લાગે.

તેમણે કહ્યું કે સાડા સાત વર્ષ પછી પણ વિપક્ષ જનાદેશ સ્વીકારવા તૈયાર નથી. ખાસ કરીને કોંગ્રેસને એવું લાગે છે કે આ અમારી સીટ હતી અને તેને મોદીએ આવીને છીનવી લીધી. તેની આ માનસકિતાને કારણે આવું થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે વિરોધ કરવો વિપક્ષનો અધિકાર છે પરંતુ તેમાં કંઈક શિષ્ટાચાર જેવું હોય છે તેઓ જે કરી રહ્યાં છે કે કહી રહ્યાં છે તે રાજ્યસભા ટીવી પર દેખાડવું જોઈએ. અમે હજુ પણ કહી રહ્યાં છીએ કે તેમની હરકત જનતાને દેખાડવી જોઈએ. વિપક્ષ લોકોને ગુમરાહ કરી રહ્યો છે.

(4:20 pm IST)