Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

અમેરિકામાં વધારે પડતો કોરોના રસીનો સંગ્રહ

દર અઠવાડીયે ૧ કરોડ ડોઝ નિકાસ કરવા ૧૭૫ નિષ્ણાંતોએ લખ્યો પત્ર

વોશિંગ્ટનઃ અમેરિકા દુનિયાનો સૌથી વધારે સંક્રમિત દેશ છે. અહીં સંક્રમણ બાળકોમાં પણ પહોંચી ગયુ છે. રાષ્ટ્રપતિ બાઈડન માટે કોરોના સામે લડવા માટેનો આ બહુ પડકારરૂપ સમય છે. તાજા સમાચાર અનુસાર, ૧૭૫થી વધારે અમેરિકન જાહેર આરોગ્ય નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો અને કાર્યકરોએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને કોરોનાના વૈશ્વિક પ્રસાર સામે લડવા માટે તાત્કાલિક પગલા લેવા આગ્રહ કર્યો છે. આ બધા લોકોએ વ્હાઈટ હાઉસને મોકલેલા એક સંયુકત પત્રમાં કોરોના સામે લડવા માટે શકય તેટલા બધા પગલા લેવા કહ્યુ છે એ સાથે જ દેશમાં રસીના ડોઝની નિકાસ બાબતે પણ કહેવાયુ છે. વ્હાઈટ હાઉસને મોકલાયેલ આ પત્રને બુધવારના વોશિંગ્ટન પોસ્ટના એક રીપોર્ટમાં પ્રકાશિત કરાયો હતો. રીપોર્ટમાં દાવો કરાયો છે કે અમેરિકામાં હાલમાં એમઆરએનએ રસીના ૫૫ મીલીયનથી પણ વધારે ડોઝનો સંગ્રહ છે. જ્યારે દેશમાં રોજના લગભગ ૯ લાખ લોકોને જ રસી અપાય છે. વૈજ્ઞાનિકોએ પત્રમાં જણાવ્યા અનુસાર રસી ઉત્પાદકો દર અઠવાડીયે ૧ કરોડ ૭૦ લાખ ડોઝનું ઉત્પાદન કરે છે. એટલે સરકારે કોવેકસ અથવા અન્ય આંતરરાષ્ટ્રીય વિતરણ તંત્ર દ્વારા દર સપ્તાહે ઓછામાં ઓછી ૧ કરોડ ડોઝની નિકાસ શરૂ કરવી જોઈએ. જેથી લેટીન અમેરિકા અને એશિયામાં જ્યાં રસીની ઓછી ઉપલબ્ધિ છે ત્યાં સંક્રમણ ઘટાડી શકાય.

(3:55 pm IST)