Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રાજયસભામાં સાંસદો સાથે મારપીટ કરવામાં આવી!

સંસદ બાદ હવે રસ્તા પર વિપક્ષઃ રેલી કાઢીઃ રાહુલ ગાંધીએ સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હી, તા.૧૨: સંસદના મોનસુન સત્ર ખત્મ થયા બાદ વિપક્ષી પાર્ટીઓ દ્વારા રેલી કાઢવામાં આવી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની આગેવાનીમાં કાઢવામાં આવેલી આ રેલીમાં ૧૨ થી વધુ રાજકીય પક્ષો સામેલ થયા છે. વિપક્ષી દળોના સાંસદે રાજયસભાના સભાપતિ એમ.વેંકૈયા નાયડૂ સાથે મળીને ગૃહમાં મહિલા સાંસદોની સાથે થયેલી ગેરવર્તૂણકની ફરીયાદ કરી.આ નિર્ણય બંને ગૃહમાં વિપક્ષના નેતાઓની બોલાવવામાં આવેલી મિટિંગમાં લેવામાં આવ્યો. રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો કે રાજયસભામાં સાંસદો સાથે મારઝૂડ કરવામાં આવી, બહારથી લોકોને બોલાવવામાં આવ્યા અને સાંસદો સાથે ધક્કામુક્કી કરવામાં આવી.

રાહુલ ગાંધીએ સરકાર પર દેશની ૬૦ ટકા વસ્તીનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે, ' સંસદ સત્ર ખત્મ થઈ ગયું છે. સ્પષ્ટ રીતે જયાં સુધી દેશના ૬૦ ટકા ભાગની વાત છે, તો તેમના માટે કોઈ સંસદ સત્ર નહોતું, કેમકે ૬૦ ટકા લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, તેમને હેરાન કરવામાં આવ્યા અને રાજયસભામાં તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો. અમે પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો, અમે સરકારને આ ચર્ચા કરવાની માંગ કરી. સરકારે પેગાસસ પર ચર્ચાથી ઇનકાર કરી દીધો.'રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો કે વિપક્ષને સંસદમાં બોલતા રોકવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, 'અમે ખેડૂતોનો મુદ્દો સંસદની બહાર ઉઠાવ્યો, કેમકે અમને સંસદમાં આની પરવાનગી નથી મળી. અમે મોંદ્યવારીનો મુદ્દો પણ સંસદની બહાર જ ઉઠાવ્યો અને આજે અમે તમારી સાથે વાત કરવા માટે આવ્યા છીએ, કેમકે તેઓ (સત્તાધારી પાર્ટી) અમને સંસદમાં બોલવા નથી દેતી. આ દેશ દેશની લોકશાહીની હત્યાથી ઓછું નથી.'મિટિંગ ખત્મ થવા પર વિપક્ષ દળોના નેતાઓએ સંસદ ભવનમાં વિજય ચોક સુધી રેલી કાઢવામાં આવી. ત્યાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મિડિયાને કહ્યું કે, સંસદમાં સત્તાધારી દળના સાંસદોએ વિપક્ષી નેતાઓને બોલવા ના દીધા. વિપક્ષે ચાલતા રેલી નીકાળી. આ રેલીમાં સામેલ શિવસેનાના રાજયસભા સંજય રાઉતે પણ મિડિયાની સામે સરકારને ખખડાવી. તેમણે કહ્યું કે, સંસદમાં માર્શલ લો લગાવવામાં આવ્યો. રાઉતે કહ્યું કે, 'અમે કાલે લોકશાહીની હત્યા થતા જોઈ, રાજયસભામાં કાલે જે રીતે પ્રાઇવેટ લોકોએ માર્શલના ડ્રેસમાં આવીને અમારા સાંસદો પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, તેઓ માર્શલ નહોતા, સંસદમાં માર્શલ લો લગાવવામાં આવ્યો હતો.જો કે વિરોધ પક્ષના આરોપો પર ભાજપે વળતો જવાબ આપ્યો છે. કેન્દ્રીય લઘુમતી કલ્યાણ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ વિપક્ષ પર દેશને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.

(3:55 pm IST)