Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ચેન્નઈના એક વ્યકિતના શરીરમાં છે ૫ કિડની : કરાવી ૩ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી : ડોકટરો માટે હતો મોટો પડકાર

ચેન્નઇ,તા. ૧૨:  મનુષ્યના શરીરમાં કુદરતી રીતે બે કિડની હોય છે, પરંતુ હાલમાં જ એક શખ્સ જયારે કિડની ટ્રાન્સપ્લાન્ટઙ્ગ બાદ હોસ્પિટલથી બહાર આવ્યો તો તેના શરીરમાં બે નહીં પરંતુ પાંચ કિડની હતી. આ તેની ત્રીજી રેનલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી હતી. ડોકટરોને આશા છે કે આ ત્રીજું ટ્રાન્સપ્લાન્ટ સફળ રહેશે, અને જો તે સફળ રહ્યું તો આવા દર્દીઓનો વિકલ્પ ખુલી જશે જેના પહેલા બે ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફળ નથી રહ્યા.

આ દર્દી વિશે જણાવતા ડોકટરોએ કહ્યું કે, જયારે દર્દી વર્ષ ૧૯૯૪માં માત્ર ૧૪ વર્ષના હતા ત્યારે તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. તેથી તેમનું પહેલું ટ્રાન્સપ્લાન્ટ થયું જે માત્ર ૯ વર્ષ ચાલ્યું. બીજું ટ્રાન્સપ્લાન્ટ વર્ષ ૨૦૦૫માં કરવામાં આવ્યું, જે પણ બીજા ૧૨ વર્ષ સુધી જ ચાલી શકયું. પરંતુ ત્યારપછીના ચાર વર્ષ દર્દીને દર સપ્તાહે ત્રણ વાર ડાયાલિસિસ કરાવવું પડતું હતું.

ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. એસ. સર્વનને જણાવ્યું કે, અનિયંત્રિત હાઇપર ટેન્શનના કારણે તેમનું પહેલું અને બીજું ટ્રાન્સપ્લાન્ટ ફેલ થઈ ગયું હતું. ત્યારબાદ આ વર્ષે માર્ચ મહિનામાં હાર્ટમાં બ્લોકેજને દૂર કરાવવા માટે ટ્રિપલ બાયપાસ સર્જરી કરવી પડી. તેનાથી સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ. ડોકટરની પાસે માત્ર એક જ વિકલ્પ બચ્યો હતો અને તે કિડની ટ્રાન્સપ્લાન્ટનો.ઙ્ગ

પરંતુ તે બિલકુલ સરળ નહોતું. પહેલી વાત કે દર્દીના શરીરમાં તેની પોતાની બે કિડની હતી જે પહેલાથી ખરાબ હતી. આ ઉપરાંત બે ડોનર કિડની હતી. હવે પાંચમી કિડની માટે ડોકટરોને તેમના શરીરમાં જગ્યા ઊભી કરવાની હતી.

ડો. એસ. સર્વનનના જણાવ્યા મુજબ, નવી કિડનીને રૂધિરની ધમનીઓની સાથે જોડવી મોટો પડકાર હતો. ચાર નિષ્ફળ કિડની બાદ ધમનીઓ અને શિરાઓમાં એટલી જગ્યા નથી બચતી કે વધુ એક કિડની તેમાં જોડી શકાય. હકીકતમાં ટ્રાન્સપ્લાન્ટ કરનારા સર્જન શરીરથી બેકાર થઈ ચૂકેલી કિડનીઓ બહાર કાઢવાના પક્ષમાં નહોતા. એક તો તેના કારણે ખૂબ લોહી વહી જવાની આશંકા હતી જેના કારણે દર્દીને લોહી ચઢાવવું પડે. પછી શરીરમાં વિશાળ માત્રામાં એન્ટીબોડી બને છે જે નવી કિડનીને સ્વીકારતું નથી.

૧૦ જુલાઈના રોજ થયેલા ઓપરેશનમાં ડોકટરોએ આ નવી કિડનીને તેમના આંતરડાની પાસે રાખી અને તેમના હૃદયથી નીકળનારી ધમનીઓ અને શિરાઓ સાથે જોડી. આ ખરા અર્થમાં એક દુર્લભ ઓપરેશન હતું. ઓપરેશન બાદ ડોકટરોનું કહેવું છે કે, હજુ થોડાક મહિનાઓ સુધી દર્દી પર સતત નજર રાખવામાં આવશે અને સુનિશ્ચિત કરવામાં આવશે કે તેમની ઇમ્યૂન સિસ્ટમ શરીરમાં નવી કિડની ન લડવા માટે અને સાથોસાથ તેમના બ્લડપ્રેશરને ફરીથી વધારી ન દે.

(3:51 pm IST)