Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

અમેરિકામાં ભારતની આઝાદીના 75 મા વર્ષની ભવ્ય રીતે ઉજવણી કરાશે : 15 ઓગસ્ટના રોજ ન્યુયોર્કના સુપ્રસિદ્ધ ટાઇમ્સ સ્ક્વેર ઉપર 6 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો તિરંગો ફરકાવવામાં આવશે : ન્યૂયોર્ક ખાતેના ભારતના કોન્સલ જનરલ શ્રી રણધીર જયસ્વાલ તિરંગો ફરકાવશે : ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ (FIA) ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને કનેક્ટિકટનું જાજરમાન આયોજન

ન્યુયોર્ક : આ વર્ષે ભારતની આઝાદીની ઉજવણી વધુ વિશેષ બનવા જઈ રહી છે, કારણ કે અમેરિકાના ટાઇમ્સ સ્ક્વેર પર સૌથી મોટો તિરંગો ફરકાવવામાં આવશે. ભારતના સ્વતંત્રતા દિવસની 75 મી વર્ષગાંઠ નિમિત્તે અમેરિકામાં અગ્રણી ભારતીય વિદેશી સંસ્થા 15 ઓગસ્ટના રોજ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પર સૌથી મોટો તિરંગો ફરકાવશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ (FIA) -ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને કનેક્ટિકટ-15 ઓગસ્ટના રોજ ટાઇમ્સ સ્ક્વેર પર તિરંગો ફરકાવવાની સાથે શરૂ થતા દિવસભર ઉજવણીનું આયોજન કરશે.

પ્રથમ ભારત દિવસનું બિલબોર્ડ ટાઇમ્સ સ્ક્વેર પર 24 કલાક માટે પ્રદર્શિત કરવામાં આવશે, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ભારતીય તિરંગાના રંગોમાં પ્રકાશિત થશે અને દિવસનો અંત હડસન નદી પર એક અદભૂત ક્રૂઝ સાથે થશે જેમાં ઉચ્ચ સરકારી અધિકારીઓ, મહાનુભાવો અને ભારતીય- અમેરિકન સમુદાયના સભ્યો ભાગ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે તિરંગો 6 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો હશે. પોલની ઉંચાઈ 25 ફૂટ છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ (FIA) એ ગયા વર્ષે દેશના સ્વતંત્રતા દિવસ પર ટાઇમ્સ સ્ક્વેર પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રથમ વખત હતું જ્યારે ભારતીય ત્રિરંગો ન્યૂયોર્ક શહેરના પ્રતિષ્ઠિત સ્થળ પર ફરકાવવામાં આવ્યો હતો. એફઆઈએના પ્રમુખ શ્રી અંકુર વૈદ્યએ જણાવ્યું હતું કે સંસ્થા દર વર્ષે ટાઈમ્સ સ્ક્વેર પર તિરંગો ફરકાવવા માંગે છે કારણ કે આ કાર્યક્રમનું પોતાનું મહત્વ છે. અંકુર વૈદ્યે કહ્યું, “અમે આ પરંપરા ચાલુ રાખવા માંગીએ છીએ. આ વર્ષે, ટાઈમ્સ સ્ક્વેર પર આપણે જે તિરંગો લહેરાવીશું તે અહીં અત્યાર સુધી લહેરાતા ત્રિરંગાઓમાં સૌથી મોટો હશે.

ન્યૂયોર્કમાં ભારતના કોન્સલ જનરલ રણધીર જયસ્વાલ તિરંગો ફરકાવશે. આ ઇવેન્ટ 12 વર્ષના અભિમન્યુ મિશ્રા, એક ભારતીય-અમેરિકન ખેલાડી અને ચેસના ઇતિહાસમાં સૌથી નાના ગ્રાન્ડમાસ્ટર અને 17 વર્ષના સમીર બેનર્જીનું સન્માન કરશે, જેમણે ગયા મહિને વિમ્બલ્ડન બોયઝ સિંગલ્સ ફાઇનલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. કલાકારો જોનિતા ગાંધી અને મિકી સિંહ પણ મહેમાનોમાં હશે. વૈદ્યએ કહ્યું કે જેમ ભારત પોતાનો 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે, એફઆઈએ 'અમેરિકામાં ઈન્ટિગ્રેટેડ ડાયસ્પોરા' પર કેન્દ્રિત અભિયાન શરૂ કરી રહ્યું છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:31 pm IST)