Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય પર નકલી ડિગ્રીનો આરોપ : કથિત નકલી ડિગ્રીના આધારે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ મેળવ્યો અને ચૂંટણી લડ્યા : પ્રયાગરાજ કોર્ટે તપાસના આદેશ આપ્યા : 25 ઓગસ્ટના રોજ સુનાવણી

અલ્હાબાદ : પ્રયાગરાજ કોર્ટે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય વિરુદ્ધ કથિત નકલી ડિગ્રીના આરોપોની પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે બુધવારે પોલીસને આ મામલે પ્રાથમિક તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. ACJM પ્રયાગરાજ નમ્રતા સિંહે પ્રયાગરાજ કેન્ટના પ્રભારીને એક સપ્તાહની અંદર મુદ્દાસર  રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો. આ સાથે તેમણે આગામી સુનાવણી માટે 25 ઓગસ્ટની તારીખ આપી છે.

પહેલો મુદ્દો જેના પર પોલીસે તપાસ કરવાની છે તે એ છે કે શું હિન્દી સાહિત્ય સંમેલન દ્વારા નાયબ મુખ્યમંત્રીને આપવામાં આવેલી માધ્યમિક બીજા વર્ષની ડિગ્રી અધિકૃત છે કે નહીં. તપાસનો બીજો મુદ્દો એ છે કે આરોપો મુજબ કથિત બનાવટી પ્રમાણપત્રોનો ઉપયોગ ચૂંટણી સોગંદનામામાં કરવામાં આવ્યો છે. આ સાથે, કોર્ટે પેટ્રોલ પંપ મેળવવા માટે નાયબ મુખ્યમંત્રી દ્વારા હાઈસ્કૂલના નકલી પ્રમાણપત્રોનો ઉપયોગ કરવાના આરોપમાં તપાસના નિર્દેશ પણ આપ્યા છે. ડેપ્યુટી સીએમ પર કથિત રીતે બનાવટી પ્રમાણપત્રોના આધારે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ મેળવ્યો હોવાનો આરોપ છે.

RTI કાર્યકર દિવાકર ત્રિપાઠીએ આ કેસમાં અરજી દાખલ કરી અને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે પાંચ અલગ અલગ ચૂંટણીઓમાં નકલી ડિગ્રીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય તેના પર કથિત નકલી ડિગ્રીના આધારે પેટ્રોલ પંપ મેળવવાનો પણ આરોપ હતો. પોતાની અરજીમાં કાર્યકર્તાએ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની ચૂંટણી અને પેટ્રોલ પંપની ફાળવણી રદ કરવાની માંગ કરી હતી. અરજીમાં જણાવાયું છે કે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ 2007 ની વિધાનસભા ચૂંટણી શહેરના પશ્ચિમ મતવિસ્તારમાંથી લડી હતી. આ પછી તેણે 2012 માં સિરાથુ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. 2014 માં તેમણે ફૂલપુરથી લોકસભાની ચૂંટણી લડી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:48 am IST)