Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ત્રીજી લહેરની શરૂઆત ?

બેંગલુરૂમાં પાંચ દિવસમાં ૨૪૨ બાળકો કોરોના પોઝિટિવ

કર્ણાટકમાં કોરોનાના ૧૩૩૮ નવા કેસ સામે આવ્યા અને ૩૧ લોકોના મોત થયા છે

બેંગલુરૂ તા. ૧૨ : કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં તાંડવ મચાવ્યું હતું. ત્યારબાદ નિષ્ણાંતોએ ત્રીજી લહેરને લઈને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે તેની સૌથી વધુ અસર બાળકો પર જોવા મળશે. હવે તેમ લાગી રહ્યું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી થઈ ગઈ છે. બેંગલુરૂમાં છેલ્લા પાંચ દિવસમાં ઓછામાં ઓછા ૨૪૨ બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવણી આપી કે આવનારા સમયમાં આ આંકડો વધી શકે છે. આ મામલાને ત્રીજી લહેરની એન્ટ્રીના રૂપમાં જોવામાં આવી રહ્યાં છે.

મંગળવારે કર્ણાટકમાં કોરોનાના ૧૩૩૮ નવા કેસ સામે આવ્યા અને ૩૧ લોકોના મોત થયા છે. નિષ્ણાંતો પહેલા ચેતવણી આપી ચુકયા છે કે કોરોનાની ત્રીજી લહેર સૌથી વધુ બાળકોને પ્રભાવિત કરી શકે છે. તેવામાં બાળકો આટલા મોટી સંખ્યામાં સંક્રમિત મળવા ડરાવે છે.

બેંગલુરૂ મહાનગર પાલિકાએ કહ્યું કે છેલ્લા પાંચ દિવસમાં ૧૯ વર્ષથી નાની ઉંમરના ૨૪૨ બાળકો પોઝિટિવ આવ્યા છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે કોવિડની ત્રીજી લહેર શરૂ થઈ ચુકી છે.

આંકડા અનુસાર શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં ૯ વર્ષથી ઓછી ઉંમરના ૧૦૬ બાળકો અને ૯થી ૧૯ વર્ષની વચ્ચેના ૧૩૬ બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગે ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં બાળકોના પોઝિટિવ કેસ વધી શકે છે.

સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું કે, આ સંખ્યા થોડા દિવસમાં ત્રણ ગણી થઈ જશે જે એક મોટો ખતરો છે. અધિકારીએ કહ્યું- અમે બસ એટલું કહી શકીએ કે પોતાના બાળકોને ઘરની અંદર રાખી આ વાયરસથી બચાવો. મોટાની તુલનામાં બાળકોમાં વધુ ઇમ્યુનિટી હશે નહીં. માતા-પિતાને વિનંતી છે કે આવા બાળકોને ઘરની અંદર રાખો અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરો.

કર્ણાટક સરકારે પહેલાથી બધા જિલ્લામાં રાત્રી અને વીકેન્ડ કફર્યૂનો આદેશ આપ્યો છે, આ સિવાય કેરલ, મહારાષ્ટ્ર, કર્ણાટકની સરહદો પર પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ૭૨ કલાક સુધીનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ દેખાડનારને રાજયમાં પ્રવેશની મંજૂરી છે.

(11:26 am IST)