Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

શ્રાવણ સત્સંગ

નિષ્કામ સેવા દ્વારા ભોળાનાથને પ્રાપ્ત કરીએ

ઈશ્વરનું નામ તાકાત અને પ્રેરણા આપનારૂ છે. પ્રભુના દિવ્ય નામની તાકાત અદ્ભૂત છે. ભકતજન હરપળે એનુ નામ રટતો રહે. કામ કરતા હો, આરામ કરતા હો કે ખાતા હો, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય.. કે પછી શ્રી રામ જય રામ જય જય રામ અથવા તો પછી હરે કૃષ્ણ હરે કૃષ્ણ... કોઈપણ નામ પસંદ કરીને સતત તેનુ સ્મરણ કરતા રહો. પ્રભુનું દિવ્ય નામ માત્ર સ્મરણ કોઈપણ રોગ માટેનું ઉત્તમ ઔષધ પણ બની શકે છે.

દરિદ્ર અને દર્દી, જેને સેવાની જરૂર હોય તેની ચાકરી કરો, તે દુઃખમાં કે વિપત્તિમાં હોય ત્યારે સેવા કરો, દયા, સ્નેહ અને સહાનુભૂતિથી કરેલી સેવા એ પ્રભુ સેવા સમી છે. સેવા એ પ્રભુ પૂજા છે. એક સર્વોત્તમ ધર્મ છે.

જો આપણને પહેરવા કપડા, રહેવા ઘર અને બે વખત ખાવાનુ અન્ન મળતુ હોય તો ખરા દિલથી ઉપરવાળાનો આભાર માનીએ. આ જ દુનિયામાં એવા લાખો લોકો છે જેમને આ બધુ મળતુ નથી.

ભૂતકાળ, વર્તમાનમાં કે ભવિષ્યમાં બનેલી કે બનવાની ઘટના વગેરેના કારણ અને પરિણામ અમુક ચોક્કસ રીતે જ સર્વવ્યાપી સર્વજ્ઞ સર્વશકિતમાન એવા ઈશ્વરની ઈચ્છાથી જ નિશ્ચિત થયેલા હોય છે. જે બનવાનુ છે તે બને જ છે. ઈશ્વરની ઈચ્છાનો માર્ગ પલટવાની શકિત કોઈપણ માનવીમાં નથી.

આ દુનિયામાં દરેક માનવી એમ વિચારતા હોય છે કે, સમજે છે કે પોતે ખૂબ ચાલાક છે પણ તેમને કુદરતની ચાલાકીની ખબર છે ?!

કુદરતના ફડાકા હવામાંથી લાગે છે તે દેખાતા નથી માટે આપણે કોઈપણ કામ કરતા પહેલા સો વાર વિચારીએ નહીં તો પછી કુદરતના ફડાકા ખાવાની તૈયારી રાખીએ.

કોઈનું બુરૂ કરવાની ઈચ્છા છોડીએ, જે કંઈ સારૂ છે તેની કદર કરીએ. અપમાન કે આઘાત સહન કરી સદ્ગુણી બની, સત્કાર્ય કરીએ, સદા સક્રિય રહીને ઈશ્વરમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ.

ઈશ્વરેચ્છા સર્વોપરી છે. આ સનાતન સત્ય છે. તેમા કોઈ મીનમેખ કરી શકે એમ નથી માટે કોઈ વાત પર ચિંતા કરવી, મનમાં અશાંતિ ઉભી કરવી જોઈએ નહી.

જીવનમાં મુસીબતો તો આવવાની જ. મુસીબતો માનવ જીવનનું અનિવાર્ય અંગ છે. આ નિયમ સમજીને આપણે સ્વીકારીએ, માટે મુસીબતમાં દિલગીર થવાને બદલે ભૂતકાળના અનુભવોમાંથી બોધપાઠોમાથી ભવિષ્યના કાર્યો માટે માર્ગદર્શન મેળવીએ. દિલગીરીથી ખોટા વિચારોથી સમય અને શકિતનોે દુર્વ્યય થાય છે કારણ કે ચિંતા શકિતને હણી નાખે છે. જે બનવાનું હતુ તે બન્યુ માટે મનની શાંતિમાં ખલેલ પહોંચાડીએ નહીં. દરેક ઘટનામાં ઈશ્વરની ઈચ્છા કામ કરી રહી છે. તે નીરખીએ અને નિસ્વાર્થ સેવા કરીએ. કોઈપણ જાતના બદલાની આશા વિના કરેલી સેવાથી મનમા ઘણી જ શાંતિ પ્રાપ્ત થાય છે. નિષ્કામ સેવા શુદ્ધ આનંદની જનની છે. બીજાને સુખી કરો, તેમનુ સુખ જોઈને તમને આનંદ થશે. આ એક એવો ખુલ્લો માર્ગ છે જેનો સૌ કોઈ અનુભવ કરી શકે છે અને આવી નિષ્કામ સેવાથી ભોળાનાથ સદાશિવના આપણી પર આશિષ ઉતરે છે. પવિત્ર શ્રાવણ માસમાં નિષ્કામ સેવા દ્વારા મહાદેવજીને પ્રસન્ન કરીએ. ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય... સૌનુ ભલુ કરો, સૌને સુખી કરો, સૌ પર કૃપા કરો...!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(11:24 am IST)