Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રાજયના જળાશયો ખાલીખમ!: ૨૦૭માંથી માત્ર ૫ ડેમ ભરેલા

હાલ આ ડેમો પોતાની કુલ ક્ષમતાના ૪૭.૫૪% જ ભરેલા છેઃ જોકે, સરકારે સિંચાઈ માટે પાણી આપવાનો નિર્ણય કર્યો છે : ૫ લાખ હેકટર જેટલી જમીનમાં સિંચાઈ માટે સરકાર ડેમમાંથી પાણી આપશે જેથી ઊભા પાકને નુકસાન ન થાયઃ હવામાન વિભાગે જણાવ્યું કે, રાજયમાં વરસાદની ૪૫ ટકા ઘટ છે

નવી દિલ્હી, તા.૧૨: અપૂરતા વરસાદને કારણે રાજયના ડેમોમાં પાણીનું સ્તર ઘટ્યું છે. હાલ આ ડેમો પોતાની કુલ ક્ષમતાના ૪૭.૫૪્રુ જ ભરેલા છે, તેમ બુધવારે નર્મદા, જળ સંપત્ત્િ।, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે જણાવ્યું.

રાજયના ૨૦૦થી વધુ ડેમ અને જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતા કરતાં અડધાથી પણ ઓછું જળસ્તર હોવા છતાં રાજય સરકારે ૫ લાખ હેકટર જેટલી જમીનમાં સિંચાઈ માટે ડેમોમાંથી પાણી આપવાનો નિર્ણય કર્યો છે, જેથી ઊભા પાકને નુકસાન ના થાય.

ભારતીય હવામાન વિભાગે બુધવારે જણાવ્યું કે, ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે. સામાન્ય કરતાં ૪૫ ટકા વરસાદની ઘટ હાલ રાજયમાં વર્તાઈ રહી છે. હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, ૧ જૂનથી ૧૦ ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં સામાન્ય કરતાં ૪૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળામાં ૪૫૮.૮mm વરસાદ નોંધાય છે પરંતુ રાજયમાં ૨૫૨.૭ mm જ વરસાદ વરસ્યો છે, તેમ હવામાન ખાતાએ જણાવ્યું. ૨૦૭માંથી માત્ર પાંચ ડેમ કાંઠા સુધી ભરાયેલા છે. આ પાંચમાંથી ચાર ડેમ સૌરાષ્ટ્રમાં આવેલા છે અને એક દક્ષિણ ગુજરાતમાં છે, તેમ બુધવારે રાજય સરકાર તરફથી જણાવાયું છે.

ખરીફ ઋતુમાં ૭૫,૭૩,૧૦૬ હેકટર જમીન પર વાવણી થઈ ચૂકી છે ત્યારે ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે, ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલે તેટલા પીવાના પાણીનો સંગ્રહ કરીને ૫ લાખ હેકટર જમીનમાં રહેલા ઊભા પાક માટે ડેમમાંથી પાણી આપવામાં આવશે. મંગળવારે રાજય સરકાર તરફથી બહાર પાડેલા નિવેદનમાં આ વાત જણાવાઈ હતી.

ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી અરવલ્લી અને ગાંધીનગરમાં આ સીઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આ બંને જિલ્લાઓમાં વરસાદની ઘટ સૌથી વધુ છે. જયારે બાકીના ૩૧ જિલ્લાઓમાં પણ સામાન્ય ઘટ નોંધાઈ છે, તેવો હવામાન ખાતાના રિપોર્ટમાં ઉલ્લેખ છે.

સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા ઝોન મુજબના ડેટાની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદના ૩૬.૩૯%, પૂર્વ-મધ્ય વિસ્તારોમાં ૩૪.૭૨%, સૌરાષ્ટ્રમાં ૩૩.૮%, કચ્છમાં ૩૧.૭૪% અને ઉત્તર ભાગમાં ૩૧.૨% વરસાદ પડ્યો છે.

(10:58 am IST)