Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રસીના બંને ડોઝ લેનારાને RT-PCRમાંથી મુકિત આપવાની માગ

દેશભરમાં સમાન ટ્રાવેલ પ્રોટોકોલ લાગુ કરવા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કરાઈ વિનંતી : સંપૂર્ણ રસીકરણ કરાવનારા લોકોએ આંતરરાજય પ્રવાસ દરમિયાન વેકસીનેશન સર્ટિફિકેટ બતાવવાનું રહેશે : કેટલાક રાજયો હજી પણ રસીના બંને ડોઝ લેનારા પ્રવાસીઓ પાસેથી નેગેટિવ RT-PCR રિપોર્ટ માગે છે

પૂણે તા. ૧૨ : પ્રવાસન મંત્રાલયે રાજયો અને કેંદ્રશાસિત પ્રદેશોને વિનંતી કરી છે કે, વેકસીનના બંને ડોઝ લઈ ચૂકેલા આંતરરાજય પ્રવાસ કરતાં લોકોને RT-PCR ટેસ્ટ કરાવામાંથી મુકિત આપવી જોઈએ. સંપૂર્ણ રસીકરણ કરાવી ચૂકેલા આ લોકોએ જે-તે રાજયમાં પ્રવેશ્યા બાદ પોતાનું વેકિસનેશન સર્ટિફિકેટ બતાવવું. 'પ્રવાસન મંત્રાલયે બુધવારે રાજયોના મંત્રીઓને પત્ર લખીને રજૂઆત કરી છે કે, તમામ રાજયો અને કેંદ્રશાસિત પ્રદેશો કોરોના કાળમાં ટ્રાવેલિંગ માટે એકસમાન પ્રોટોકોલનું પાલન કરે,' તેમ પ્રવાસન મંત્રાલયના એડિશનલ ડાયરેકટર જનરલ રૂપિન્દર બ્રારે જણાવ્યું હતું.

૯ ઓગસ્ટે પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડીએ લોકસભામાં કહ્યું હતું, 'મંત્રાલયે રાજયો અને કેંદ્રશાસિત પ્રદેશોને વિનંતી કરી છે કે, વેકસીનના બંને ડોઝ લેનારા પેસેન્જરોને આંતરરાજય પ્રવાસ કરતી વખતે RT-PCR રિપોર્ટ લઈ જવામાંથી મુકિત આપવામાં આવે.'

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો, કેટલાક રાજયોએ રસીના બંને ડોઝ લેનારા મુસાફરોને નેગેટિવ RT-PCR રિપોર્ટ લઈને આવવામાં મુકિત આપી છે. પરંતુ પશ્યિમ બંગાળ (મુંબઈ, પૂણે અને ચેન્નાથી આવતા પેસેન્જરો માટે RT-PCR ફરજિયાત), કર્ણાટક, ગોવા, છત્તીસગઢ જેવા રાજયો રસીના બંને ડોઝ લેનારા મુસાફરો પાસેથી પણ નેગેટિવ RT-PCR રિપોર્ટ માગે છે.

રૂપિન્દર બ્રારે કહ્યું, પ્રવાસન મંત્રાલય તમામ રાજયોને એકસમાન પ્રોટોકોલનું પાલન કરવા માટે મનાવી રહ્યું છે. જે મુસાફરોએ રસીના બંને ડોઝ લીધા હોય તેમણે પોતાનું ફાઈનલ વેકસીનેશન સર્ટિફિકેટ બતાવાનું રહેશે અને તેમના માટે RT-PCR ટેસ્ટ કરાવો ફરજિયાત નહીં રહે. આ પ્રકારનો સમાન પ્રોટોકોલ બધા જ રાજયો અમલમાં મૂકે તે માટે પ્રવાસન મંત્રાલય પ્રયત્નશીલ છે. ૫ ઓગસ્ટે પ્રવાસન મંત્રાલયે ફેડરેશન ઓફ અસોસિએશન્સ ઈન ઈન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી તેમજ તમામ રાજય સરકારોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. જેમાં કોરોના કાળ દરમિયાન ટ્રાવેલ પ્રોટોકોલ સામંજસ્યપૂર્ણ હોય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.

'સિક્કિમ અને મહારાષ્ટ્ર જેવા રાજયો દેશના બીજા ભાગમાંથી આવતા મુસાફરોને સંપૂર્ણ રસીકરણના સર્ટિફિકેટને આધારે પ્રવેશ આપે છે નહીં કે RT-PCR રિપોર્ટને આધારે. આ વિકલ્પ જ તર્કસંગત છે તેમ બેઠક દરમિયાન ઉપસ્થિત રહેલા રાજયોએ એકસૂરમાં સ્વીકાર્યું હતું,' તેમ બ્રારે ઉમેર્યું. એકસમાન પ્રોટોકોલની યોજનાને આગળ કેવી રીતે લઈ જવી અને પ્રવાસીઓને વધુ રાહત કેવી રીતે આપી શકાય તેની ચર્ચા પ્રવાસન મંત્રાલય સ્વાસ્થ્ય અને નાગરિક ઉડ્ડયન મંત્રીઓ સાથે કરશે.

(10:35 am IST)