Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ઐસા ભી હોતા હૈ

પંડિતજી વાળ કપાવવા ગયા હતા : ઘરે આવ્યા તો ચોટલી ન્હોતી : વાળંદ વિરૂધ્ધ નોંધાવી FIR

દહેરાદૂન,તા.૧૨: ઉતરાખંડના દહેરાદૂનમાં વાળ કપાવવા ગયેલાં એક પંડિતજીની ચોટલી કપાઈ ગઈ, તેનાથી નારાજ થયેલાં પંડિતજીએ વાળંદ વિરુદ્ઘ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી દીધી. હવે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. દેહરાદૂનના નવાદા વિસ્તારમાં રહેતાં પંડિત શિવાનંદ કોટનાલા રવિવારે ભાવેશ સલૂનમાં વાળ કપાવવા ગયા હતા. અહીંયા તેમણે પોતાના વાળમાં કલર પણ કરાવ્યો અને પછી દ્યરે પરત આવ્યા હતા. લગભગ ૧ કલાક બાદ પંડિતજી સ્નાન કરવા ગયા તો તેમને ખબર પડી વાળંદે તેમની ચોટલી કાપી લીધી છે.

બાદમાં પંડિતજી તરત ભાવેશ સલૂન પહોંચ્યા હતા. અહીંયા સલૂનના સંચાલક અને પંડિતજી વચ્ચે ભારે વિવાદ શરુ થઈ ગયો હતો. વિવાદ વધી જતાં સલૂન સંચાલકે પંડિતજી શિવાનંદની માફી માંગી હતી, પરંતુ તેમણે સલૂન સંચાલકને માફ કરવાનો ઈન્કાર કર્યો હતો. બંને વચ્ચે લાંબી તકરાર ચાલી હતી. ત્યારબાદ પંડિતજી શિવાનંદ નેહરુ કોલોની પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સલૂન સંચાલક વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરી હતી.

નેહરુ કોલોની પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદ અનુસાર પંડિત શિવાનંદ કોટનાલા વાળ કપાવીને ઘેર પહોંચ્યા હતાં. જયાં સ્નાન કરતી વખતે માથા પર હાથ ફેરવ્યો તો તેમને ખબર પડી કે વાળંદે ચોટી કાપી નાંખી છે. ત્યારબાદ પંડિતજી તરત સલૂન પહોચ્યા હતાં. જયાં  સલૂન સંચાલક સાથે  થયેલી બોલાચાલી બાદ ફરિયાદ દાખલ કરાવવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા.

નેહરુ કોલોની પોલીસ સ્ટેશનના પીઆઈ રાકેશ ગુસાઈએ જણાવ્યું કે પંડિત શિવાનંદ કોટનાલે સલૂન સંચાલક ભાવેશની વિરુદ્ઘ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી હોવાની ફરિયાદ કરી છે. આ સાથે મારી નાખવાની ધમકી, મારપીટ કરવી અને અપશબ્દો બોલાવની કલમ ઉમેરવામાં આવી છે. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. આ અગાઉ ૨૦૨૦માં નૈનીતાલમાં આ પ્રકારની ઘટના બની હતી. જેમાં ૨૧ વર્ષના વાળંદ ઈફ્તેકારને વિશ્વ હિંદૂ પરિષદના નેતા વિષંભર દત્ત્। પલાદિયાની ચોટી કાપવાના મામલામાં જેલમાં ધકેલાયો હતો. પોલીસે આરોપી પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાની ફરિયાદ દાખલ કરી હતી.

(10:31 am IST)