Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કોંગ્રેસ પક્ષે કહ્યું અમે લડતા રહીશું, ડરતા નથી

રાહુલ સહિત અનેક નેતાઓ બાદ હવે કોંગ્રેસનું પણ ટ્વિટર એકાઉન્ટ લોક

નવી દિલ્હી,તા.૧૨: ટ્વિટર અને કોંગ્રેસ વચ્ચે લડાઇ જારી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના એકાઉન્ટ બાદ હવે કોંગ્રેસ પક્ષનું ટ્વિટર એકાઉન્ટ પણ લોક થઇ ગયું છે. આજે કોંગ્રેસ દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે અમારૃં ટ્વિટર એકાઉન્ટ લોક કરી દેવાયું છે પરંતુ અમે અમારી લડાઇ ચાલુ રાખીશું. કોંગ્રેસ દ્વારા ફેસબુક ઉપર આની માહિતી આપવામાં આવી છે. કોંગ્રેસે લખ્યું છે કે જ્યારે અમારા નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતાં ત્યારે પણ અમે ડર્યા નહોતા. તો હવે અમે ટ્વિટર એકાઉન્ટ બંધ થવાથી શા માટે ડરીશું. અમે કોંગ્રેસ છીએ, જનતાનો સંદેશ છીએ, અમે લડતા રહીશું. કોંગ્રેસે એવું પણ કહ્યુ છે કે, જો રેપ પીડિત બાળકીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવાનું અપરાધ હોય તો આ અપરાધ અમે સો વખત કરીશું, જય હિન્દ, સત્યમેવ જયતે.

રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટને અસ્થાયી રીતે સસ્પેન્ડ કર્યા બાદ કોંગ્રેસે બુધવારે મોડી રાત્રે દાવો કર્યો કે રણદીપ સુરજેવાલા સહિત પાંચ વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓના એકાઉન્ટ વિરુદ્ઘ પણ આ રીતે કાર્યવાહી કરવામાં આવી છે.

પાર્ટીએ કહ્યું કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) ના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન, લોકસભામાં પાર્ટીના સચેતક મનિકમ ટૈગોર, અસમ પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રિ જિતેન્દ્ર સિંહ તથા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાછલા સપ્તાહે દિલ્હીમાં કથિત બળાત્કાર અને હત્યાની શિકાર નવ વર્ષની બાળકીના પરિવારની સાથે તસવીરો ટ્વીટ કરી હતી. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ (NCPCR) એ રાહુલ ગાંધીના ટ્વીટ પર હસ્તક્ષેપ કર્યો અને ટ્વિટરને સગીર પીડિતાની નિજતાનું ઉલ્લંદ્યન કરવા માટે કોંગ્રેસ નેતાના એકાઉન્ટ વિરુદ્ઘ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ મામલા પર કોંગ્રેસ મહાસચિવ અને મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરવામાં આવેલી તસવીરને ટ્વીટ કરતા લખ્યુ- મોદી સરકાર દલિતની પુત્રીને ન્યાય આપવાની જગ્યાએ, હમદર્દી તથા ન્યાય માંગનારનો અવાજ દબાવવા માટે ષડયંત્ર કરી રહી છે. મોદીજી #Twitter ને ડરાવીને રાહુલ ગાંધીના એકાઉન્ટને બંધ કરાવીને પણ ન્યાયનો અવાજ દવાબી શકશે નહીં. ટ્વિટરને દબાવ્યા વગર એફઆઈઆર નોંધાવો, ન્યાય આપવો પડશે.

(10:59 am IST)