Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સરકાર વિરૂદ્ધ એકતા દર્શાવવાની હોડઃ હવે સોનિયા મેદાને

કપિલ સિબ્બલ બાદ વિપક્ષની એકતાને મજબૂત કરવા સોનિયા ગાંધી વિપક્ષના અનેક નેતાઓ સાથે લંચ કે ડીનર બેઠક યોજશેઃ તારીખ હવે નક્કી થશે : સોનિયાએ વિપક્ષના દિગ્ગજ નેતાઓ સાથે વાત કરીઃ આજે ખડગે વિપક્ષી નેતાઓને મળશેઃ સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન પણ કરશે

નવી દિલ્હી, તા. ૧૨ :. સંસદનું ચોમાસુ સત્ર ભારે હંગામા વચ્ચે પુરૂ થયુ છે. આ દરમિયાન વિપક્ષે સરકારને સંસદમાં રોકવાનો હરસંભવ પ્રયાસ કર્યો જે સફળ પણ રહ્યો. આ દરમિયાન રાજકીય પક્ષોમાં કેન્દ્રની એનડીએ સરકાર વિરૂદ્ધ એકતા દર્શાવવાની હોડ લાગી છે. હવે વિપક્ષની એકતાને મજબૂત બનાવવા માટે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી ખુદ રાજકીય મેદાનમાં ઉતરશે. તેમણે શરદ પવાર, મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે, એમ.કે. સ્ટાલીન સાથે વાતચીત કરી એક બેઠક યોજવાનું નક્કી કર્યુ છે. જો કે આ અંગેની કોઈ તારીખ નક્કી નથી થઈ પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે લંચ કે ડીનર નેતાઓની ઉપલબ્ધતા ઉપર નિર્ણય કરશે.

સૌથી ખાસ વાત એ છે કે સોનિયા ગાંધીએ મીટીંગ બોલાવ્યાના સમાચાર એ વખતે આવ્યા છે કે જ્યારે હાલમાં જ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પોતાના જન્મ દિવસે ડીનર પાર્ટીમાં અનેક વિપક્ષી નેતાઓને બોલાવ્યા હતા. આ દરમિયાન વિપક્ષી એકતા અને સંયુકત મોરચાને લઈને ચર્ચા થઈ હતી. આ બધાથી મહત્વની વાત એ હતી કે આ બેઠકમાં કોંગ્રેસના નેતૃત્વ સામે અસંતોષ દર્શાવનાર નેતાઓ પણ મોજુદ હતા. આ બેઠકે સોનિયા અને રાહુલની ચિંતા વધારી દીધી હતી. એવુ જણાય છે કે કોંગ્રેસમાં જી-૨૩ નેતાઓ હજુ સક્રિય છે અને હજુ એક છે અને પક્ષની અંદર સખળડખળ હજુ પુરી થઈ નથી.

કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી સામાન્ય રીતે સંસદમાં ઓછા દેખાય છે અને જાહેર કાર્યક્રમોથી પણ દૂર રહે છે પરંતુ મંગળવારે અને બુધવારે તેઓ ગૃહની કાર્યવાહીમાં સામેલ થયા હતા. ગઈકાલે તેઓ સ્પીકરે બોલાવેલી બેઠકમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમિયાન સંસદમાં એકતા બતાડયા બાદ વિપક્ષી નેતા હવે તેને બહારથી પણ જાળવી રાખવામાં વ્યસ્ત થયા છે. આજે રાજ્યસભામાં વિપક્ષી નેતા ખડગે વિપક્ષોની સાથે બેઠક યોજી રહ્યા છે. બાદમાં તેઓ સંસદ સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન પણ કરશે. તેઓ કદાચ વિજય ચોક સુધીની માર્ચ પણ કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સૂચન કર્યુ હતુ કે સત્ર સમાપ્ત થયા બાદ નેતાઓએ સંસદમાં પોતાનો અવાજ દબાવવાના વિરોધમાં રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કરવુ જોઈએ.

(10:24 am IST)