Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ત્રીજી લહેર પહેલા દિલ્હીની હોસ્પિટલના ૮૦ ટકા બેડ થયા ફૂલ

કોરોના સંક્રમિત, પોસ્ટ કોવિડ અને નોન કોવિડ દર્દીઓ દાખલ થવાની સાથે સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓનું વેટીંગ જોવા મળી રહ્યું છે

નવી દિલ્હી તા. ૧૨ : દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર પહેલા પોસ્ટ કોવિડ અને નોન કોવિડ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અહીં કેસ વધવાના કારણે સરકારી હોસ્પિટલમાં વેટિંગની સ્થિતિ જોવા મળી રહી છે તો અન્ય હોસ્પિટલના ૮૦ ટકા બેડ ભરાઈ ચૂકયા છે.

મેકસ, અપોલો, ફોર્ટિસ સહિત મોટા હોસ્પિટલમાં ICU બેડ ફૂલ થયા છે તો સાથે ૨૦૦ હોસ્પિટલના ૨૦ હજાર બેડમાંથી ૧૬,૬૩૬ બેડ કોવિડ માટે આરક્ષિત રખાયા છે. દિલ્હી સરકારના કહેવા મુજબ ૧૬,૩૨૫ બેડ હાલમાં ખાલી છે. તો અન્ય તરફ હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલના આંકડા મુજબ ૮૦ ટકા બેડ ફૂલ છે. દિલ્હી સરકારના કહેવા અનુસાર રોજના ૫૦-૬૦ નવા કેસ સામે આવી રહ્યા છે. હોસ્પિટલોના જણાવ્યા અનુસાર અનેક હોસ્પિટલમાં ૯૦-૯૫ ટકા સુધીના બેડ ભરાઈ ચૂકયા છે.

એઈમ્સથી મળી રહેલી જાણકારી અનુસાર દર્દીની સંખ્યા સુપર સ્પેશ્યાલિટી વિભાગમાં વધારે છે હાર્ટ, કિડની, ફેફસા, લિવર અને કેન્સરના દર્દીની સંખ્યા વધારે છે. એમ્સમાં તપાસને લઈને વેટિંગ જોવા મળી રહ્યું છે. ગ્લૂકોમાના દર્દીને પણ ૧-૨ મહિનાનું વેટિંગ મળી રહ્યું છે. 

મેકસ, અપોલો, ફોર્ટિસ સહિત મોટા હોસ્પિટલમાં ICU બેડ ફૂલ થતા જોવા મળી રહ્યા છે. જેના કારણે પોસ્ટ કોવિડના કેસ વધી રહ્યા છે. જે દર્દીને ગંભીર સ્થિતિમાં એડમિટ કરવામાં આવી રહયા છે તેમને પણ સમયસર સારવાર મળી રહી નથી. ન તો દવાઓ મળી રહી છે જેના કારણે તેમની તબિયત વધુ ખરાબ થઈ રહી છે. મહામારીની અસર હોસ્પિટલમાં દેખા દઈ રહી છે. 

ડોકટર્સનું કહેવંુ છે કેત્રીજી લહેર આવશે તો મુસીબત વધશે. હાલમાં જ બેડની અછત છે તો તે સમય માટે વધારે વ્યવસ્થાની જરૂર રહેશે.  આ માટે નવી રણનીતિ પર કામ કરવાની જરૂર છે.

એમ્સ સહિત દિલ્હીની અનેક મોટી સરકારી હોસ્પિટલમાં મૃત્યુદર વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે એમ્સમાં ૨૦૧૮ અને ૨૦૧૯માં ક્રમશઃ ૩૭ અને ૩૪ મોત થયા હતા. ૨૦૨૦માં રોજ ૨૦ કે ૨૧ મોત થયા છે. 

કિરાડીમાં કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારમાં હોસ્પિટલ બનાવાશે. અહીં સાડા ૪૦૦ બેડની વ્યવસ્થા કરાશે. આ હોસ્પિટલ ૩ એકરમાં બનાવાશે.  અહીં ગ્રામીણોને નબીં પણ અન્ય વિસ્તારના લોકોને પણ સુવિધા મળશે.

(10:23 am IST)