Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કર્ણાટકમાં છેલ્લા ૫ દિવસમાં ૨૪૨ બાળકો કોરોના સંક્રમિત

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હોવાની આશંકા : આ બાળકો પૈકી ૧૦૬ બાળકોની વય તો ૯ વર્ષ કરતા ઓછી જ્યારે ૧૩૬ બાળકો ૯ અને ૧૯ વર્ષની વચ્ચેના છે

બેંગલુરૂ, તા.૧૧ : કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને વાયરસ ટાર્ગેટ કરી શકે છે તેવી આશંકા કેટલાક જાણકારોએ વ્યક્ત કરી હતી.

કર્ણાટકમાં છેલ્લા પાંચ દિવસથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને છેલ્લા પાંચ દિવસમાં ૨૪૨ બાળકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનુ સૂત્રોનુ કહેવુ છે. જેના પગલે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

બેંગ્લોર કોર્પોરેશનના કહેવા પ્રમાણે છલ્લા પાંચ દિવસમાં ઓછામાં ઓછા ૨૪૨ બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને જાણકારો માની રહ્યા છે કે, આ ત્રીજી લહેરની શરૂઆત હોઈ શકે છે. આ બાળકો પૈકી ૧૦૬ બાળકોની વય તો ૯ વર્ષ કરતા ઓછી છે. જ્યારે ૧૩૬ બાળકો ૯ અને ૧૯ વર્ષની વચ્ચેના છે.

બીજી તરફ રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા ૧૩૩૮ કેસ સામે આવ્યા હતા અને આ દરમિયાન ૩૧ લોકોના મોત પણ થયા હતા.સ્વાસ્થ્ય વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે આગામી કેટલાક દિવસોમાં કોરોના કેસમાં ત્રણ ગણો વધારો થઈ શકે છે અને આ એક મોટો ખતરો છે.

કર્ણાટક સરકારે પહેલા જ તમામ જિલ્લાઓમાં નાઈટ અને વીક એન્ડ કરફ્યુનુ એલાન કરેલુ છે.ઉપરાંત કર્ણાટકને જોડતા રાજ્યો કેરલ અને મહારાષ્ટ્રની બોર્ડર પર પ્રવેશ માટે નિયંત્રણો મુકવામાં આવ્યા છે. દરમિયાન સરકાર રાજ્યમાં ૧૬ ઓગસ્ટથી આંશિક લોકડાઉન લગાવવાનુ પણ વિચારી રહી છે.

(12:00 am IST)