Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

વિક્કીની હત્યાથી દિલ્હીથી પંજાબમાં ગેંગવોરના સંકેત

મોહાલીમાં વિક્કીની હત્યાના કેનેડા સુધી પડઘા : તિહાડમાં કેદ સંપત નેહરા અને કેનેડાના ગેંગસ્ટર બ્રારનો વિક્કીની હત્યાનો બદલો લેવાનો ફેસબુક પોસ્ટ દ્વારા હુંકાર

નવી દિલ્હી, તા.૧૧ : પંજાબના મોહાલી ખાતે અકાલી નેતા વિક્રમજીત ઉર્ફે વિક્કીની હત્યા કેસમાં વધુ ૨ ફેસબુક પોસ્ટ સામે આવી છે. પંજાબ પોલીસ અને સ્પેશિયલ સેલને આ ફેસબુક પોસ્ટ હાથ લાગી છે. પહેલી પોસ્ટ તિહાડ જેલમાં કેદ સંપત નેહરાએ કરી છે જેણે વિક્કીની હત્યાનો બદલો લેવાની વાત કરીને એકના બદલામાં ૪ને મારવાની ધમકી આપી છે.

બીજી પોસ્ટ કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની છે જેણે વિક્કીની હત્યાને લઈ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. અકાલી નેતા વિક્રમજીત સિંહ કુલ્હાર ઉર્ફે વિક્કીની હત્યા ૭ ઓગષ્ટના રોજ થઈ હતી. મોહાલીના સેક્ટર ૭૧માં ૧૫ ગોળીઓ મારીને વિક્કીની હત્યા કરવામાં આવી હતી. વિક્કી અકાલી નેતા અજય મિઠ્ઠુ ખેડાનો નાનો ભાઈ હતો. અજય મિઠ્ઠુ ખેડા તાજેતરમાં જ નગર નિગમ ચૂંટણીમાં પૂર્વ મેયર કુલવંતના દીકરા વિરૂદ્ધ ચૂંટણી લડ્યો હતો. વિક્કી સવારે પ્રોપર્ટી ડીલર પાસે આવ્યો હતો જ્યાં પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા હુમલાખોરોએ તેના પર ગોળીઓ વરસાવી હતી.

વિક્કીની હત્યાના પછીના દિવસે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ફેસબુક પોસ્ટ સામે આવી હતી. તેણે વિક્કીની હત્યાનો બદલો લેવાની વાત કરી હતી. તેણે લખ્યું હતું કે, જે પણ જવાબદાર છે તે પોતાના મોતની તૈયારી કરી લે. આનું પરિણામ થોડા દિવસોમાં જ મળી જશે.  સંપત નેહરા રાજસ્થાનના ચુરૂનો રહેવાસી છે અને હાલ મકોકાના આરોપસર તિહાડ જેલમાં બંધ છે. તે લોરેન્સ બિશ્નોઈ અને કાલા જઠેડી ગેંગ સાથે સંકળાયેલો છે. તેની ફેસબુક પોસ્ટમાં પણ વિક્કીની હત્યાનો બદલો લેવાનું લખ્યું છે. તેણે લખ્યું છે કે, તારા મૃત્યુનો બદલો એકના બદલે ૪ મારીને લઈશું. વેઈટ એન્ડ વોચ.

તે સિવાય કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે પણ ફેસબુક પોસ્ટ દ્વારા અર્મેનિયામાં બેઠેલા લકી અને તેની ગેંગના મેમ્બર્સને પરિણામ ભોગવવાની ધમકી આપી છે. તેણે લખ્યું છે કે, લડાઈ લડવી છે તો મરદોની જેમ લડો. આવી ઘટિયા હરકતો ન કરશો. બાબા મેહર કરે. જલ્દી જ ગંદવાડ સાફ કરીશું. તે કેનેડામાં રહીને લોરેન્સ બિશ્નોઈ અને કાલા જઠેડી ગેંગને ઓપરેટ કરે છે.

મોહાલીમાં થયેલી વિક્કીની હત્યાએ દિલ્હીની તિહાડથી લઈને પંજાબ અને કેનેડા સુધી પડઘા પાડ્યા છે. તેવામાં વિક્કીની હત્યા પાછળ ગેંગવોરની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

(12:00 am IST)