Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સેના પ્રમુખ બરતરફ, જનરલ હેબતુલ્લા નવા પ્રમુખ બન્યા

તાલીબાનના હુમલાને રોકવામાં નિષ્ફળતા પર કાર્યવાહી : તાલિબાન આતંકી દેશના ૬૫ ટકા વિસ્તાર પર કબ્જો કરી ચૂક્યા છે, નવ પ્રાંતની રાજધાની પર તાલિબાનનો કબજો

કાબુલ, તા.૧૧ : તાલિબાન આતંકવાદીઓના વધતા હુમલાને રોકવામાં નાકામ રહેલા અફઘાનિસ્તાનની સેનાના પ્રમુખ જનરલ વલી મોહમ્મદ અહેમદજઈને અબ્દુલ ગની સરકારે બરતરફ કરી દીધા છે. તેમની જગ્યાએ જનરલ હેબતુલ્લા અલીજઈને આગામી સેના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે.

જનરલ વલીને એવા સમયે બરતરફ કરવામાં આવ્યા છે જ્યાં તાલિબાન આતંકી દેશના ૬૫ ટકા વિસ્તાર પર કબ્જો કરી ચૂક્યા છે. એટલુ જ નહીં શુક્રવાર પછી અત્યાર સુધી અફઘાનિસ્તાનના નવ પ્રાંતની રાજધાની પર તાલિબાનનો કબ્જો થઈ ગયો છે.

અફઘાનિસ્તાનના એક ન્યુઝ સૂત્રોના હવાલાથી સેના પ્રમુખને બરતરફ કર્યાની પુષ્ટિ મળી છે.

આ તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા રાષ્ટ્રપતિ અશરફ ગની મજાર-એ-શરીફના પ્રવાસે પહોંચ્યા છે જ્યાં તેઓ અફઘાનિસ્તાનના બૂઢે શેર કહેવાતા અબ્દુલ રશીદ દોસ્તમની સાથે મળ્યા છે. તાલિબાને પહેલા જ દેશના ગ્રામીણ વિસ્તાર પર કબ્જો કરી લીધો છે અને હવે તેમને શહેરો પર કબ્જો જમાવ્યો છે. અફઘાન સુરક્ષા દળ તાલિબાની હુમલાની સામે બેબસ જોવા મળ્યા છે અને આત્મસમર્પણ કરી રહ્યા છે.

એક સ્થાનિક સાંસદે જણાવ્યુ કે કૂંગુજ શહેરમાં સેંકડોની સંખ્યામાં અફઘાન સૈનિકોએ તાલિબાન આતંકીઓની સામે હથિયાર ફેંકી દીધા છે. તાલિબાને કૂંદુજ શહેરના એરપોર્ટ પર પણ કબ્જો કરી લીધો છે. તાલિબાન આતંકી હવે મજાર-એ-શરીફ પર કબ્જો કરવામાં લાગ્યા છે. આ દરમિયાન હેરાત શહેરના ગવર્નરે કહ્યુ કે તાલિબાન આતંકવાદીઓને તેમના શહેર પર ભીષણ હુમલો કર્યો હતો જેને નાકામ કરી દીધો છે.

(12:00 am IST)