Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સંસદમાં હોબાળા બાદ ભાગ્યે જ જોવા મળતું દ્રશ્ય કેમેરામાં કંડારાયું

સ્પીકરની ઓફિસમાં લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી મુલતવી રાખ્યા બાદ પીએમ મોદી, ગૃહમંત્રી શાહ, સોનિયા ગાંધી એકઠા થયા: લોકસભા કાર્યવાહી 96 કલાક નિર્ધારિત છતાં માત્ર 21 કલાક ચાલી : કામકાજ માત્ર 22 ટકા : 13 સરકારી બિલ રજૂ કરાયા અને 20 બિલ પસાર

નવી દિલ્હી :  લોકસભામાં આજે પણ વિપક્ષે સતત હોબાળો મચાવતા, સંસદની કાર્યવાહી અનિશ્ચિત સમય સુધી મુલતવી રાખવામાં આવી છે. લોકસભાની કાર્યવાહી 96 કલાક માટે નિર્ધારિત કરવામાં આવી હતી પરંતુ પેગાસસ જાસુસી મુદ્દો, કૃષિબિલ રદ કરવા સહીતના અન્ય મુદ્દે વિરક્ષે મચાવેલા હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી માત્ર 21 કલાક સુધી જ ચાલી શકી હતી.

લોકસભાની કાર્યવાહી અચોક્કસ મુદત સુધી મુલતવી રાખ્યા બાદ, અધ્યક્ષ ઓમ બિરલાની ઓફિસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહ, લોકસભા વિપક્ષના નેતા અધિર રંજન ચૌધરી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી એકઠા થયા હતા. એકસાથે નેતાઓ એકઠા થઈને સોહાર્દપૂર્ણ વાતાવરણમાં વાતચીત કરતા હોય તેવુ ભાગ્યે જ જોવા મળતુ દ્રશ્ય કેમેરમાં કંડારાઈ ગયુ હતુ

સંસદના ચોમાસુ સત્ર 2021માં, પેગાસસ અને અન્ય બાબતોએ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. જેન કારણે લોકસભાની બેઠક અવારનવાર સ્થગિત કરવામાં આવી હતી. બુધવારે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે મુદ્દા આધારિત મડાગાંઠ, સમયનો બગાડ અને જાહેર મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા ન થઈ શકી તે અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્ય કે લોકસભાના છઠ્ઠા સત્ર દરમિયાન 17 બેઠકો યોજાઈ હતી. કામનો સમય 96 કલાક માટે નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સરખામણીમાં માત્ર 21 કલાક 14 મિનિટનું જ કામકાજ કરવામાં આવ્યું હતું.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું, ‘હું લોકોની પીડાને સમજું છું કે આ વખતે જાહેર મહત્વના મુદ્દાઓ પર લોકસભામાં ચર્ચા થઈ શકી નથી. ચર્ચા અને સંવાદથી લોકશાહી મજબૂત બને છે. યોગ્ય અને અર્થપૂર્ણ ચર્ચા બાદ જ ગૃહમાં બિલ પસાર થવું જોઈએ. સંસદીય પરંપરાઓ અને ગૃહની ગરિમાનું માન સન્માન જળવાવુ જોઈએ.

છઠ્ઠા સત્ર દરમિયાન લોકસભાની 17 બેઠકો યોજી હતી અને ગૃહ 96 કલાકના નિર્ધારિત સમયની સામે 21 કલાક 14 મિનિટ કામ કર્યું હતું. વિપક્ષ દ્વારા કરાયેલા વિક્ષેપને કારણે લોકસભામાં 74 કલાક 46 મિનિટનો સમય વ્યય થયો હતો. અને આ સત્ર દરમિયાન ગૃહનુ કામકાજ 22 ટકા રહ્યુ. વર્તમાન સત્તરમી લોકસભાનું છઠ્ઠું સત્ર 19 જુલાઈથી શરૂ થયું હતુ. જે 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થયું. જોકે, ગૃહની કાર્યવાહી 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની હતી.

સત્ર દરમિયાન 13 સરકારી બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને 20 બિલ પસાર કરવામાં આવ્યા. પસાર થયેલા કેટલાક મહત્વના ખરડાઓમાં બંધારણ (127 બંધારણીય સુધારો) બિલ, 2021, નાદારી અને નાદારી કોડ (સુધારો) બિલ, 2021 અને વર્ષ 2017-18 અને 2020-21 માટેની પૂરક માંગણીઓ સંબંધિત એપ્રોપ્રિએશન બિલ છે.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યુ હતુ કે, નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આગામી વર્ષ સુધીમાં નવું સંસદ ભવન તૈયાર થાય તે માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(11:47 pm IST)