Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સેન્સેક્સ મામુલી ૧૪ પોઈન્ટની ગિરાવટ સાથે બંધ

સપ્તાહના પહેલા દિવસે બજારમાં સુસ્ત વાતાવરણ : અદાણી પોર્ટસ, એરટેલ, બીપીસીએલના શેર સૌથી વધુ તૂટ્યા, રિયાલીટી ઈન્ડેક્સમાં ૩.૫ ટકા ઊછાળો જોવાયા

મુંબઈ, તા.૧૨ : સ્થાનિક શેર બજાર સોમવારે સપાટ બંધ રહ્યા. બીએસઈનો ૩૦ શેરો પર આધારિત સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ ૧૩.૫૦ પોઈન્ટ એટલે કે ૦.૦૩ ટકા તૂટીને ૫૨,૩૭૨.૬૯ પોઈન્ટના સ્તરે બંધ થયો. તો બીજી બાજુ એનએસઈ નિફ્ટી ૨.૮૦ પોઈન્ટ એટલે કે ૦.૦૨ ટકાના વધારા સાથે ૧૫,૩૭૨.૬૦ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પર અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીસ, શ્રી સિમેન્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ તેમજ એસબીઆઈ લીફ ઈન્સ્યોરન્સના શેરોમાં સૌથી વધુ વૃધ્ધિ જોવા મળી હતી. બીજી બાજુ અદાણી પોર્ટસ, ભારતી એરટેલ, બીપીસીએલ, ટાટા સ્ટીલ તેમજ ઈન્ફોસિસના શેરોમાં સૌથી વધુ ગિરાવટ જોવા મળી. સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરવામાં આવે તો રિયાલીટી ઈન્ડેક્સમાં ૩.૫ ટકાનો ઊછાળો જોવા મળ્યો. તો વળી આટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર ઈન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈ મિડકેપ તેમજ સ્મોલ કેપ ઈન્ડેક્સ લીલા નિશાન પર બંધ થયા.

સેન્સેક્સ પર ભારતી એરટેલના શેરોમાં સૌથી વધુ ગિરાવટ નોંધાઈ હતી. કંપનીની શેર એક ટકો તૂટી ગયા હતા. ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક, બજાજ ઓટો તેમજ પાવર ગ્રીડના શેરોમાં સૌથી વધુ કડાકો જોવા મળ્યો હતો.

બીજી બાજુ અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને ઈન્ડસઈન્ડ બેંકના શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી.

અન્ય એશિયન બજારોની વાત કરવામાં આવે તો હોંગકોંગ, શાંઘાઈ, સિયોલ અને ટોક્યોમાં શેર બજાર જોરદાર તેજી સાથે બંધ થયા. યૂરોપિયન બજારોમાં બપોરના સત્રમાં ગિરાવટ જોવા મળી હતી. આની વચ્ચે અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયો છ પૈસા મજબૂત થઈને ૭૪.૫૮ના સ્તરે બંધ થયો હતો.

(8:47 pm IST)