Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સરકાર બાદ હવે સંગઠનમાં થશે ફેરફારો : રવિશંકર પ્રસાદ અને જાવડેકરને સંગઠનમાં પદ મળે તેવી શકયતા

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અથવા મહાસચિવ તરીકે આગામી વિધાનસભા ચૂંટણીઓની જવાબદારી મળવાની શકયતા

નવી દિલ્હી,તા.૧૨: કેન્દ્રીય કેબિનેટમાં દૂર થયેલા ભાજપના નેતાઓ રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરને ભાજપ સંગઠનમાં મહત્વનું પદ અને જવાબદારી આપવામાં આવે તેવી શકયતા છે. બન્ને નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અથવા મહાસચિવ બનાવી આગામી વિધાનસભા ચૂંટણીઓની જવાબદારી આપવામાં આવશે તેવી ચર્ચા અત્યારે રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

ગત અઠવાડિયે નરેન્દ્રભાઇ મોદી સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણ થયું હતું, જેમાં મહત્વના મંત્રાલયો સંભાળતા મંત્રીઓએ રાજીનામાં આપ્યા છે. જેમાં રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરનો પણ સમાવેશ થાય છે.

આ બન્ને નેતાઓને હવે ભાજપ સંગઠનમાં મહત્વની જવાબદારી મળે તેવી શકયતા છે. આગામી વિધાનસભા ચૂંટણીઓમે તેમને કોઇ એક રાજયની જવાબદારી સોંપવામાં આવે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.

સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે દિલ્હીમાં આજે ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ રાષ્ટ્રીય સચિવો સાથે બેઠક કરી હતી. આજની બેઠકમાં સંગઠનની વિવિધ ગતિવિધિઓ અને પાંચ રાજયોમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ આ પદાધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે તેમના સત્ત્।ાવાર નિવાસ સ્થાને મુલાકાત કરી હતી અને આ બેઠક વિશે માહિતી આપી હતી.

(11:49 am IST)