Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કોરોનાના કેસોમાં ઘટાડો થતાં દવાઓનું વેચાણ લગભગ ૪૦ ટકા જેટલું ઘટી ગયું

અત્‍યારે માર્કેટમાં ઓક્‍સિજન માસ્‍ક, સેનેટાઈઝર, થર્મોમીટર, ફલો મીટર, ઓક્‍સિમીટર, બ્‍લડપ્રેશર માપવાનું સાધન વગેરે પૂરતી માત્રામાં ઉપલબ્‍ધ છે : કોરોનાની બીજી લહેરમાં જે લોકોએ દ્યરે જરૂરી દવાઓનો સ્‍ટોક કર્યો હતો તેઓ પણ હવે આ દવાઓ પરત કરી રહ્યા છે

નવી દિલ્‍હી,તા. ૧૨: કોરોના વાયરસના કેસોમાં થઈ રહેલા ઘટાડાની અસર હવે દવાના બજાર પર પણ જોવા મળી રહી છે. હવે કોરોના સંબંધિત દવાઓની માગ ઘટી છે, જયારે એક એવો સમય હતો કે બીજી લહેરમાં આ દવાઓની અછત સર્જાઈ હતી! દવાના વેપારીઓના જણાવ્‍યા મુજબ, હાલ દવાઓનું વેચાણ લગભગ ૪૦ ટકા જેટલું ઘટી ગયું છે.

દિલ્‍હી ડ્રગ ડીલર્સ ટ્રેડ એસોસિએશનના પ્રેસિડેન્‍ટના જણાવ્‍યા મુજબ, અત્‍યારે કોરોના વાયરસ સંબંધિત દવાઓની માગ નહીવત જેવી છે. અત્‍યારે માર્કેટમાં ઓક્‍સિજન માસ્‍ક, સેનેટાઈઝર, થર્મોમીટર, ફ્‌લો મીટર, ઓક્‍સિમીટર, બ્‍લડપ્રેશર માપવાનું સાધન વગેરે પૂરતી માત્રામાં ઉપલબ્‍ધ છે.

તેમણે વધુ વાત કરતા જણાવ્‍યું કે, જો કોરોનાના કેસ વધવાની શરૂઆત થઈ અને દવાઓની માગમાં વધારો થયો તો કેમિસ્‍ટ પણ તૈયાર છે. સરકાર કોરોના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરાવી રહી છે. વેપારી, કર્મચારીઓ અને ગ્રાહકો સુધી તે સંદેશ પહોંચવો ખૂબ જરૂરી છે કે કોરોનાની મહામારી હજુ સંપૂર્ણપણે જતી રહી નથી.

હાલ કોરોનાના કેસો ઘટ્‍યા છે પણ ગરમીથી લોકો પરેશાન છે. ગરમીથી શરીરમાં જે સમસ્‍યા થાય છે તેની દવાઓ હાલ વેચાઈ રહી છે. ગરમીમાં લોકોને ઝાડાનો પ્રોબ્‍લેમ થઈ રહ્યો છે એટલે તેની દવાઓ હાલ વેચાઈ રહી છે. આ સિઝનલ બીમારીઓ છે, જેની રેગ્‍યુલર દવાઓ મેડિકલ સ્‍ટોરમાં ઉપલબ્‍ધ છે તેનું વેચાણ થઈ રહ્યું છે.

ઓલ ઈન્‍ડિયા કેમિસ્‍ટ એન્‍ડ ડિસ્‍ટ્રીબ્‍યુટર ફેડરેશનના પ્રેસિડેન્‍ટના જણાવ્‍યા મુજબ, હાલ દવાઓનું વેચાણ ૪૦ ટકાથી પણ ઓછું થઈ ગયું છે. હાલ દવાઓની માગ નથી. કોરોનાની બીજી લહેરમાં જે લોકોએ ઘરે જરૂરી દવાઓનો સ્‍ટોક કર્યો હતો તેઓ પણ હવે આ દવાઓ પરત કરી રહ્યા છે. જેનાથી કેમિસ્‍ટનું નુકસાન થવાનું નક્કી છે. હવે કંપનીઓ પણ આ દવાઓ પરત લેવા માટે તૈયાર નથી કારણકે તેની એક્‍સપાયરી ડેટ પણ નજીક છે.

(11:22 am IST)